અમદાવાદ, શહેરની મેટ્રો ટ્રેનમાં આઇપીએલ મેચને પગલે સ્ટેડિયમ સુધી આવવા જવા માટે ક્રિકેટપ્રેમીઓની પહેલી પસંદ ફરી જોવા મળી છે. વર્ષ ૨૦૨૪ના આઇપીએલની ૩ મેચના દિવસે કુલ ૨,૬૫,૬૬૦ લોકોએ મુસાફરી કરતાં મેટ્રોની ત્રણ દિવસની આવક રૂ. ૫૦ લાખને પાર થઇ છે. શહેરમાં મેટ્રોમાં દરરોજ સરેરાશ ૩૦થી ૪૦ હજાર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ગત વર્ષે પણ આઇપીએલની ૮ મેચોના દિવસોમાં કુલ ૬.૫૨ લાખ લોકોએ મુસાફરી કરતા મેટ્રોની આવક રૂ.૧.૦૭ કરોડ થઈ હતી.
શહેરમાં મેટ્રોની શરૂઆત થયા બાદ સરેરાશ ૩૦થી ૪૦ હજાર જેટલા લોકો ઓફિસ, કોલેજ કે પછી પોતાના વેપાર પર સહેલાઈથી પહોંચવા મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. ખાસ કરીને મોટેરા ખાતેના ક્રિકેટ સ્ટેડિયમમાં જ્યારે પણ મેચ હોય છે ત્યારે ટ્રાફિકજામમાં હાલાકી ન પડે તે માટે તેમજ પાકગની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મેટ્રોને પહેલી પસંદ બનાવી છે. આવા સમયે કેટલીકવાર મેટ્રોમાં પણ પગ મુકવાની પણ સ્થિતિ ન હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે. આ સાથે મેચના દિવસોમાં મેટ્રો દ્વારા પણ ક્રિકેટપ્રેમીઓ માટે મોડી રાત સુધી મેટ્રો દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે ટિકિટ માટે લાંબી લાઇનો ન લાગે તે માટે પેપર ટિકિટની પણ વ્યવસ્થા કરાઇ હતી.