રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી પાર

અમદાવાદ, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી પાર ગયુ છે. તેમજ ૭ શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર નોંધાયુ છે. સૌથી વધુ તાપમાન ભુજમાં ૪૧.૭ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની આગાહી કરવામાં આવી છે.

ડીસામાં ૪૧.૧, અમદાવાદમાં ૪૦ ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં ૪૧, સુરેન્દ્રનગરમાં ૪૧.૧ ડિગ્રી તથા ભુજમાં ૪૧.૭ડિગ્રી, કંડલામાં ૪૦.૭ ડિગ્રી તાપમાન છે. ગરમી અને ભેજના કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની સંભાવના છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા પર નજર કરીએ તો તેમાં અમદાવાદ ૪૦.૦ ડિગ્રી, ગાંધીનગર ૩૯.૩ ડિગ્રી, ડીસા ૪૧.૧ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર ૩૯.૫ ડિગ્રી તેમજ વડોદરા ૩૮.૬ ડિગ્રી તથા સુરત ૩૭.૦ ડિગ્રી તાપમાન રહ્યું છે. ભાવનગર ૩૭.૨ ડિગ્રી, રાજકોટ ૪૧.૦ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૧.૧ ડિગ્રી, મહુવા ૩૭.૦ ડિગ્રી, ભુજ ૪૧.૭ડિગ્રી તેમજ કંડલા ૪૦.૭ ડિગ્રી તથા કેશોદમાં ૩૯.૦ ડિગ્રી તાપમાન રહ્યું છે. ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે જ સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળ્યા છે. રાજ્યના ૭ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી વધુ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને આંબી ગયો હતો. મહત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે.