અમદાવાદ, ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થતાં ગુજરાતભરના માતાના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ની ભીડ જામી હતી નવરાત્રીના પ્રથમ દિવસે ૫૧ શક્તિ પીઠ પૈકીના એક પાવાગઢ ખાતેના માં કાલિકાનાં દર્શનાર્થે લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી પડયા હતાં. આ ઉપરાંત અંબાજીમાં અંબા,બહુચરાજી ખાતે બહુચર માતા,માટેલ ખાતે ખોડિયાર મંદિર ખાતે સવારથી જ માઇ ભકતો ઉમટી પડયા હતાં
ચૈત્ર નવરાત્રિ નિમિત્તે સમગ્ર ગુજરાતના માઈ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૬ એપ્રિલના રોજ ગુજરાતના મોટાભાગના માઈમંદિરોમાં હવન કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતના શક્તિપીઠ અંબાજી, પાવગઢ, ચોટીલા સહિતના માઈમંદિરોમાં ચૈત્ર નવરાત્રિ નિમિત્તે રોજ ત્રણ ટાઈમ વિશેષ પુજા આરતી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ભાવિભક્તોની ભીડ પણ ઉમટતી હોવાથી ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે. ૧૬ એપ્રિલના રોજ ગુજરાતના માઈમંદિરોમાં દુર્ગાષ્ઠમી નિમિત્તે હવન અને વિશેષ પુજા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના માઈ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં અષ્ટમીના નવચંડી હોમ કરાશે. પાવાગઢમાં પ્રથમ દિવસ, છઠ-આઠમ-તેરસ-પૂનમે મંદિરના દ્વાર સવારે ૪ કલાકે ખૂલશે-રાત્રે ૮ના બંધ થશે. ચોટીલામાં નવ દિવસ સુધી મહાયજ્ઞ કરાશે જ્યારે બહુચરાજીમાં મંગળવારે સવારે ૭:૩૦ કલાકે ઘટસ્થાપન કરાશે અને મંદિર સવારે ૫ થી રાત્રિના ૯ સુધી ખૂલ્લું રહેશે.