અમદાવાદ, ઉનાળાની ૠતુમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાના કારણે દૂધનું ઉત્પાદન ઘટે છે. ચાલુ વર્ષે ઉનાળામાં પર્યાવરણ વિભાગે ગરમીથી લૂ લાગવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેને લઈને દૂધના ઉત્પાદનમાં વધુ ઘટાડો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જાણકારોનું કહેવું છે કે ભયાનક ગરમી પડવાના કારણે જળાશયો સૂકાઈ જાય તેવી વકી છે. પરિણામે પશુઓ માટે પાણી સહિત ઘાસચારાની ખેંચ થઈ શકે છે. આમ આવનારા દિવસોમાં દૂધનું ઉત્પાદન ઘટે તો નવાઈ નહીં.
જો દૂધનું ઉત્પાદન ઘટે છે, તો દૂધના ભાવમાં વધારો ઝીંકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. દેશના જળાશયો સૂકાઈ જવાથી આ સંકટ વધુ ગંભીર બની શકે છે. ૪ એપ્રિલના આંકડાઓ અનુસાર, દેશના ૧૫૦ મોટા જળાશયોમાં પાણીનું સ્તર ૩૫ ટકા રહી ગયું છે, જે એક વર્ષ પહેલાની તુલનામાં ૧૭ ટકા ઓછું છે અને છેલ્લા ૧૦ ટકાના સરેરાશથી ૨ ટકા ઓછું છે.
મિન્ટના એક રિપોર્ટ અનુસાર, ૬.૫ ટકા ફેટ ધરાવતા દૂધની કિંમત ૫૭-૫૮ રૂપિયા છે, જે ગયા વર્ષે ૪૭-૪૮ રૂપિયા પ્રતિ લીટર હતી. જ્યારે કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટેમન્ટના આંકડાઓ અનુસાર, ઓલ ઇન્ડિયા એવરેજ રિટેલ પ્રાઇસ ૫૭.૬ રૂપિયા પ્રતિ લીટર છે, જે એક વર્ષ પહેલાં ૫૬ રૂપિયા હતી. અંદાજ અનુસાર, વર્ષ ૨૦૨૩-૩૪માં દેશમાં દૂધનું ઉત્પાદન ૨૪થી ૨૪ કરોડ ટન રહ્યું હતું, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં ૪.૫ ટકા વધુ હતું.
ભારત દૂધ ઉત્પાદનના મામલે દુનિયામાં પ્રથમ સ્થાને છે, પરંતુ પ્રતિ વ્યક્તિ વપરાશના મામલે દેશ ખૂબ જ પાછળ છે. ભારતમાં દૂધનો વપરાશ પ્રતિ વ્યક્તિ માત્ર ૮૪ કિલો છે, જ્યારે ફિનલેન્ડમાં ૪૩૦ કિલો છે. જાણકારોનો મત છે કે, આ ઉનાળામાં તાપમાન સરેરાશથી વધુ રહેવાની શક્યતાઓ છે. એમાં પણ મહારાષ્ટ્ર, ઓડિશા અને દક્ષિણના રાજ્યોમાં વધુ ગરમી પડી શકે છે. વધુ ગરમીના કારણે જળાશયોમાં જળસ્તર ઘટવાના કારણે આગામી દિવસોમાં દેશમાં પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. પરિણામે પશુઓને યોગ્ય માત્રામાં પાણી નહીં મળી શકે છે અને ખાસ કરીને પ્રથમ ત્રિમાસિક ગાળામાં દૂધનું ઉત્પાદન ઘટી શકે છે.
જોકે, ચોમાસુ સામાન્ય રહે તો તેની ભરપાઈ થઇ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, આ વર્ષે સમગ્ર દેશમાં તાપમાનનું સ્તર સામાન્યથી વધુ રહે તેવું અનુમાન છે, પરંતુ મય અને પશ્ર્ચિમી વિસ્તારોમાં સૌથી વધુ અસર થાયે તેવી શક્યતાઓ છે, જોકે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવી આશા છે. આમ, દૂધના ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે તેની સીધી અસર તેની કિંમતો પર પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી, પરંતુ માત્ર સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.