સિગારેટ પીતી યુવતીએ તેને તાકીને જોતા યુવકની હત્યા કરી નાંખી

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં ૨૪ વર્ષીય એક યુવતીએ પાનની દુકાન પર ઊભેલા એક માણસને એટલા માટે મારી નાખ્યો કે તે તેની સામે ઘુરી રહ્યો હતો. પોલીસે મહિલા ઉપરાંત તેના અન્ય બે મિત્રોની પણ ધરપકડ કરી છે. આરોપ છે કે મહિલાએ ૨૪ વર્ષીય રણજીત રાઠોડની હત્યા એટલા માટે કરી નાખી કે જ્યારે તે પાનની દુકાનમાં સિગારેટ પી રહી હતી ત્યારે તે તેની તરફ તાકી તાકીને જોઈ રહ્યો હતો.આ ઘટના રાત્રે બની હતી. ચાર દીકરીઓનો પિતા રણજીત રાઠોડ પાનની દુકાને ગયો હતો એ સમયે જયશ્રી પાંઢરે સિગારેટ પીતી હતી. દરમિયાનમાં રણજીત રાઠોડ પણ સિગારેટ પીવા ત્યાં પહોંચ્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. પોલીસ અહેવાલો અનુસાર, જ્યારે રાઠોડ જયશ્રી પાંધારે સામે જોઈ રહ્યો હતો ત્યારે તેણે વાંધો ઉઠાવ્યો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ પછી રાઠોડે પોતાનો મોબાઈલ કાઢી લીધો અને જયશ્રીનો વીડિયો બનાવવા લાગ્યો, જેમાં તે સિગારેટ પીતી વખતે તેની સાથે દુર્વ્યવહાર કરી રહી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જયશ્રીને જવાબ આપતી વખતે રાઠોડે પણ ગાળો ભાંડી હતી.

પોલીસે કહ્યું કે ઉગ્ર બોલાચાલી વચ્ચે જયશ્રીએ તેના મિત્રો આકાશ રાઉત અને જીતુ જાધવને ફોન કર્યા હતા. ફોન આવતા જ બંને ત્યાંથી નીકળી ગયા હતા. દરમિયાન, રણજીત રાઠોડ ત્યાંથી નીકળી ગયો હતો અને મહાલક્ષ્મીનગર પહોંચ્યા બાદ ત્યાં બિયર પી રહ્યો હતો. મહિલા તથા તેના મિત્રો તેની પાછળ ગયા હતા અને ત્યાં પણ આ લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન, મામલો વણસી જતાં તેમણે રણજીત રાઠોડ પર છરી વડે હુમલો કર્યો હતો. આમાં રાઠોડનું મૃત્યુ થયું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જયશ્રી પાંધારે પોતે જ રણજીત રાઠોડ પર છરી વડે અનેકવાર હુમલા કર્યા હતા. રણજીત રાઠોડની હત્યા કર્યા બાદ ચારેય લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની શોધખોળ શરૂ કરીને અંતે જયશ્રી, સવિતા અને આકાશની ધરપકડ કરી લીધી છે.