શહેરા,શહેરામાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે આ પર્વને લઈને નગર વિસ્તારમાં ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવવા સાથે ભગવાન ઝુલેલાલના ભક્તિમય ગીતો વાગતા યુવાનો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
શહેરા નગરમાં ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી થનાર હોય જેને લઇને સિંધી સમાજમાં ભારે ઊત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો હતો. ચેટીચાંદ પર્વની ઉજવણી પહેલા નગરમાં એક ભવ્ય બાઈક રેલીનું આયોજન સિંધી સમાજ નવયુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. ઝુલેલાલ મંદિર ખાતેથી સિંધી સમાજના પ્રમુખ રૂપચંદ સેવકાણી, ઉપપ્રમુખ વિનોદભાઈ પદવાણી તેમજ સિંધી સમાજના અગ્રણી કનૈયાલાલ પિતુમલ મુલચંદાણી, સહિતના અગ્રણીઓએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવતા આ બાઈક રેલી સીઁધી ચોકડી,અણિયાદ ચોકડી, પરવડી વિસ્તાર, મુખ્ય બજાર સહિતના અન્ય વિસ્તારોમાં ફરી હતી. આ બાઈકરેલીમાં સિંધી સમાજના યુવાનો, વડીલો જોડાવા સાથે અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. બાઈક રેલી દરમિયાન ભગવાન ઝુલેલાલના ભક્તિમય ગીતો ઉપર યુવાનો ખુશીથી ઝુમતા નજરે પડયા હતા. જોકે, સિંધી સમાજ દ્વારા ચેટીંચાંદ પર્વને લઈને આ બાઈકરેલી નુ આયોજન કરવામા આવતા તેમા મોટી સંખ્યામાં સિંધી સમાજના તમામ લોકો જોડાયા હતા. આ બાઈકરેલી દરમિયાન પોલીસનો બંદોબસ્ત પણ ઠેરઠેર રાખવામા આવ્યો હતો. ઝુલેલાલ મંદિર અને સિંધી ચોકડી થી બસ સ્ટેશન સુધી રોશનીથી શણગારવામાં આવેલ તેમજ મંદિર ખાતે પર્વને લઈને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. જ્યારે સિંધી સમાજ દ્વારા બુધવારના રોજ ધામધુમ પૂર્વક ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામા આવનાર હોવા સાથે અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ સિંધી સમાજના ભાઈઓ બહેનોમાં જોવા મળી રહ્યો હતો.