દે.બારીઆ,દે.બારીઆ વિસ્તારના સાગારામા ગામે જંગલ વિસ્તારમાં ભુલથી જતા રહેલા 45 વર્ષના પ્રોૈઢ પર રીંછે હુમલો કરતા તે ગંભીર રીતે ધવાયો હતો. પ્રોૈઢને સારવાર માટે દે.બારીઆની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની હાલત નાજુક હોવાનુ જાણવા મળ્યુ છે.
પંચમહાલ જિલ્લાના એક ગામમાં રહેતો 45 વર્ષિય પ્રોૈઢની માનસિક હાલત સારી ન હતી. બે દિવસ પહેલા રાતે તે ધરેથી નીકળી ગયો હતો. રાતે તે ચાલતો ચાલતો દે.બારીઆના સાગારામાં ગામે જતો રહ્યો હતો. ત્યાં જંગલ વિસ્તારમાં મોડી રાતે એક રીંછે તેના પર હુમલો કરી આંખ, નાક તથા મોંઢા પર બચકા ભરી લીધા હતા. તેને ગંભીર હાલતમાં સારવાર માટે દે.બારીઆની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તેની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે બેભાન હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની હાલત હજુ નાજુક હોવાનુ જાણવા મળી રહ્યુ છે.આ વિસ્તારમાં રીંછ દ્વારા હુમલાના બનાવો ઓછા બને છે. પરંતુ ઈજાગ્રસ્ત માનસિક અસ્વસ્થ હોવાથી તે ભાગી શકયો ન હતો. ફોરેસ્ટ વિભાગને તે બેભાન અવસ્થામાં મળી આવતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જયાં 108 એમ્બ્યુલન્સના એટન્ડન્ટે જણાવ્યુ હતુ કે,આ વિસ્તારમાં રીંછના હુમલાના બનાવો બે-ત્રણ મહિને એકાદ વાર બનતા રહે છે. પરંતુ બુમાબુમ થાય એટલે રીંછ ભાગી જતા હોય છે. પોતાની માનસિક અવસ્થાના કારણે 45 વર્ષિય પ્રોૈઢ બુમાબુમ નહિ કરી શકતા વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.