લુણાવાડામાં કલેકટર ઓફિસ કચેરી રોડ ઉપર ગટરના ઢાંકણા ખુલ્લા રહેતા અકસ્માતનો ભય


લુણાવાડા,
લુણાવાડા નગરપાલિકાની બેદરકારીના કારણે નગરમાં ઠેર ઠેર ગટરલાઈનના ઢાંકણા ખુલ્લા અને તુટી જવાના પગલે વાહનચાલકો માટે અવર જવર કરવામાં મુશ્કેલી બની છે. અકસ્માત ન થાય તે માટે આડસ મુકવામાં આવી છે. પરંતુ કાયમી નિરાકરણ નહિ કરાતા અવર જવર કરતા લોકોને જીવના જોખમે પસાર થવુ પડે છે.શહેરના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ગટરલાઈનો નાંખવામાં આવી છે. ત્યારે માર્ગ ઉપરથી ભરાતા પાણી માટે ઠેકઠેકાણે ગટરો નાંખવામાં આવી છે. અને તેના ઉપર ઢાંકણ પણ લગાવવામાં આવ્યા છે ત્યારે આ ઢાંકણા યોગ્ય ગુણવત્તાવાળા ન હોવાથી અવાર નવાર બિસ્માર બની જાય છે. અને ગટરો બેસી જતી હોય છે. તો અમુક જગ્યાએ ઢાંકણા લગાવવામાં આવ્યા જ નથી. ત્યારે નગરના વરધરી રોડ પર કલેકટર કચેરી વળવાના રોડ સામે વકીલની ઓફિસ પાસે છેલ્લા ધણા મહિનાથી ગટરના ઢાંકણા ન હોવાથી ગટર વાહનચાલકો તથા રાહદારીઓ માટે જોખમી બની છે. આ રોડ પર સરકારી વાહનો સાથે રોજના અસંખ્ય વાહનો તથા લોકો અવર જવર કરી રહ્યા છે. ત્યારે તંત્રની નજરે પણ આ ખુલ્લી ગટર નજરે પડતી ન હોય તેવુ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યુ છે.ત્યારે રાત્રિના સમયે અવર જવર કરતા વાહનચાલકોને અકસ્માતના ભયે પસાર થવાની નોબત આવી છે.