
ગાંધીનગર, ગુજરાતમાં ૭ મેના રોજ લોક્સભાની ચૂંટણી માટે મતદાન થશે. ૭ મેના રોજ ગુજરાતમાં લોક્સભાની ૨૬ બેઠક પર અને વિધાનસભાની ૫ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મતદાનના દિવસે રજા જાહેર કરાઈ છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રજાની જાહેરાત કરાઈ છે. જેથી લોક્સભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણીમાં નાગરિકો મતદાન કરવા જઈ શકે.
લોક્સભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ તૈયારીઓ કરી રહ્યું છે. લોક્સભા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચદ્વારા વિડીયો કોન્ફરન્સ આયોજિત કરાઈ છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા સાથે ચૂંટણી પંચની વીડિયો કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા થશે. પોસ્ટલ બેલેટ, ચૂંટણીમાં રાજકીય પક્ષોની મંજૂરીઓ, કાયદો વ્યવસ્થા તથા લાઈંગ સ્ક્વોડની કામગીરી પર સમીક્ષા થશે.
રાજ્ય સરકારના સિનિયર ચાર આઈએસ અધિકારીઓ આગામી ૨૬ એપ્રિલ સુધી ટ્રેનિંગમાં જતા હોવાના કારણે અન્ય સિનિયર આઈએએસ અધિકારીઓને ચાર્જ સોંપાયો છે. રાજ્યના ચાર સિનિયર આઈએએસ ટ્રેનિંગ પર મસુરી જશે. જેથી ૪ આઈએએસ અધિકારીઓનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો છે. અંજૂ શર્મા, મોના ખંધાર, મમતા વર્મા તથા મુકેશ કુમાર ટ્રેનિંગ પર મસુરી જશે. જેથી તેમના બદલે અનુપમ આનંદ, મનીષા ચંદ્રા, ધનંજય દ્વીવેદી, એમ કે દાસ સહિત સાત અધિકારીઓને ચાર્જ સોંપાયો છે.