માલદીવના મંત્રીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓક્તા રહે છે. મરિયમ શિઉનાએ હવે ભારતીય તિરંગાની મજાક ઉડાવી

માલદીવ, માલદીવના મંત્રીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓક્તા રહે છે. અગાઉ વિવાદાસ્પદ ટિપ્પણી માટે સસ્પેન્ડ કરવામાં આવેલા મરિયમ શિઉનાએ હવે ભારતીય તિરંગાની મજાક ઉડાવી છે. જોકે તેમણે વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને માફી પણ માગી છે. ખાસ વાત એ છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ચીનના સમર્થક માનવામાં આવે છે. તે સતત માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવાની માગ કરી રહ્યા છે.એવા અહેવાલો છે કે શિઉનાએ માલદીવમાં વિપક્ષી પાર્ટી એમડીપી એટલે કે માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીને નિશાન બનાવવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હવે ડીલીટ કરી નાખવામાં આવેલી પોસ્ટમાં, પાર્ટીનો લોગો ભારતીય તિરંગામાં હાજર અશોક ચક્ર સાથે બદલવામાં આવ્યો હતો.

શિઉના હવે માફી માંગતી પણ જોવા મળી રહી છે. તેમણે લખ્યું, ‘હું તાજેતરની એક સોશિયલ મીડિયા પોસ્ટ વિશે વાત કરવા માગુ છું, જે સમાચારમાં છે અને તેની ટીકા થઈ રહી છે. મારી તાજેતરની પોસ્ટને લીધે થતી કોઈપણ મૂંઝવણ માટે હું માફી માગુ છું.

તેમણે લખ્યું, ‘મારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે એમડીપીના મારા જવાબમાં મેં જે તસવીરનો ઉપયોગ કર્યો છે તે ભારતીય ધ્વજને મળતો આવે છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ અજાણ્યું હતું અને કોઈપણ ગેરસમજ માટે હું દિલથી ક્ષમા ચાહું છું. માલદીવ ભારત સાથેના તેના સંબંધોનું સન્માન કરે છે.

શિઉના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની સરકારમાં જુનિયર મંત્રી હતા. તે મેલ સિટી કાઉન્સિલની પ્રવક્તા પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત અંગે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. માલદીવ સરકારે વધુ બે મંત્રીઓ અબ્દુલ્લા મહજૂમ મજીદ અને માલશા શરીફ સામે પણ કાર્યવાહી કરી હતી.