કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક નવો ખતરો ઉભો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (આઇએઇએ) એ ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલાની જાણકારી આપી છે. એજન્સીએ કહ્યું છે કે ઝાપોરોજયે પ્લાન્ટના છ પરમાણુ રિએક્ટરમાંથી એક પર ડ્રોન હુમલાને કારણે મોટી પરમાણુ દુર્ઘટનાનું જોખમ વધી ગયું છે.આઇએઇએ ના વડા રાફેલ મારિયાનો ગ્રોસીએ કહ્યું કે ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના મુખ્ય રિએક્ટર કન્ટેઈનમેન્ટ સ્ટ્રક્ચર પર ઓછામાં ઓછા ત્રણ સીધા હુમલા થયા છે. નવેમ્બર ૨૦૨૨ પછી આ પ્રકારનો આ પહેલો હુમલો છે.
આઇએઇએએ એક નિવેદન બહાર પાડીને પ્લાન્ટના છ રિએક્ટરમાંથી એક પર ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયાના પણ અહેવાલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનિટ-૬ને થયેલા નુક્સાનને કારણે પરમાણુ સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવી નથી, પરંતુ આ એક ગંભીર દુર્ઘટના છે જેમાં રિએક્ટરની કન્ટેઈનમેન્ટ સિસ્ટમ નબળી પડી જવાની શક્યતા છે.
ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માર્ચ ૨૦૨૨ થી રશિયાના કબજામાં છે. રશિયન અધિકારીઓનું કહેવું છે કે યુક્રેનની સેનાએ પ્લાન્ટ સાઇટ પર હુમલો કર્યો છે. પ્લાન્ટના અધિકારીઓ દાવો કરે છે કે કોઈ ગંભીર નુક્સાન કે જાનહાનિ થઈ નથી. હુમલા બાદ રેડિયેશનનું સ્તર પણ સામાન્ય રહ્યું હતું. જોકે, રવિવારે રશિયાની સરકારી પરમાણુ એજન્સી રોસાટોમે પ્લાન્ટની કેન્ટીન પાસે ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
ઝાપોરિઝિયા એ યુરોપનો સૌથી મોટો પરમાણુ પાવર પ્લાન્ટ છે, જે યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયાના થોડા દિવસો પછી જ રશિયન સેના દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. ત્યારથી, આઇએઇએ દ્વારા આ અંગે ઘણી વખત ચેતવણીઓ જારી કરવામાં આવી છે. પ્લાન્ટ પર થયેલા હુમલા માટે રશિયા અને યુક્રેન બંને એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યાં છે. ઝાપોરોઝાય પ્લાન્ટમાં છ પરમાણુ રિએક્ટર છે, જે તેને યુરોપમાં સૌથી મોટા અને વિશ્ર્વમાં ૯મું સૌથી મોટું બનાવે છે. પરમાણુ એજન્સીઓએ ઘણી વખત ચેતવણી આપી છે કે અહીં હુમલો મોટી તબાહી લાવી શકે છે.