શિમલા,મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું છે કે હિમાચલ પ્રદેશના લોકો અને કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યર્ક્તા ભાજપની મની પાવરની રાજનીતિને હરાવવા માટે એકજૂથ છે. ભાજપે બેઈમાની અને ચાલાકીની નવી પરંપરા શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે. જનતા આનો જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી દ્વારા સોશિયલ મીડિયા પર ટિપ્પણી શેર કરતી વખતે સુખુએ આ વાત કહી.
પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાની કોમેન્ટમાં લખ્યું છે કે તેઓ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓને મળ્યા છે. તેમને તેમની એક્તા, સખત મહેનત અને તાકાત સાથે ચૂંટણી લડવાના સંકલ્પ અને લોકો પ્રત્યેના તેમના સમર્પણ પર ગર્વ છે. એક તરફ ભાજપનું ભય, લોભ અને જુઠ્ઠાણાનું સામ્રાજ્ય છે. મની પાવર અને એજન્સીઓ દ્વારા સત્તાનો ધંધો લોકશાહીને નષ્ટ કરનારી રાજનીતિ છે. બીજી તરફ, કોંગ્રેસ સત્ય, હિંમત અને ધીરજથી લોકો માટે અથાક કામ કરવાનો સંકલ્પ ધરાવે છે. તેમને પૂરો વિશ્ર્વાસ છે કે જનતા તેમનો સાથ આપશે અને સત્યની જીત થશે.