- 80 પરીક્ષા કેન્દ્રો પર સવાર અને બપોર એમ બે સેશનમાં આયોજીત પરીક્ષામાં કુલ 29,120 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગોધરા,શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાના કુલસચિવ, ડો.અનીલ સોલંકી જણાવે છે કે, કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તા.08/04/2024થી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની વિજ્ઞાન, વિનયન, વાણિજ્ય, શિક્ષણ અને કાયદા વિદ્યાશાખાની સ્નાતક તથા અનુ-સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની સેમેસ્ટર-4ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ છે.
આ પરીક્ષાઓમાં વિજ્ઞાન, વાણિજ્ય, વિનયન, શિક્ષણ અને કાયદા વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ 9 અભ્યાસક્રમોની પરીક્ષાઓ કુલ 80 પરીક્ષા કેન્દ્રો પર સવાર અને બપોર એમ બે સેશનમાં આયોજીત કરવામાં આવેલ છે. જેમાં કુલ 29,120 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ પરીક્ષાઓ દરમિયાન કુલપતિ દ્વારા સવિશેષ તકેદારીના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રો પર યુનિવર્સિટી ઓબ્ઝર્વર નીમવામાં આવેલ હતા. જેઓએ સીધાજ યુનિવર્સિટી સાથે સંપર્કમાં રહી પરીક્ષા કેન્દ્ર ખાતેની પરિસ્થિતિનું મોનીટરીંગ તેમજ રીપોર્ટીંગ કર્યું હતું.
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીની પરીક્ષાઓ સમય મર્યાદાઓમાં અને વિધાર્થીઓના હિતમાં સંપૂર્ણપણે પારદર્શક, સુરક્ષિત તેમજ સચોટ રીતે લઈ શકાય તે માટે કુલપતિના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પરીક્ષા કેન્દ્રો અને યુનિવર્સિટીની ટીમ શિસ્તબધ્ધ રીતે અને સમયાધીન રાત-દિવસ કાર્યરત છે.
કુલપતિ, કુલસચિવ, યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સિલના તમામ સભ્યઓએ તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષાની ગરિમા જળવાય તે પ્રકારે વર્તણુક કરવા વિનંતી કરેલ છે. સાથે-સાથે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલ સચિવએ એક યાદીમાં જણાવ્યું છે.