
શહેરા,શહેરા નગરમા મુસ્લિમ વિસ્તારમાં ચોકિયા ફળિયા સહિત અન્ય વિસ્તારમાં પાલિકા દ્વારા નિયમિત પાણી નહીં મળતા ત્યાંના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. રમજાન માસમાં મુસ્લિમ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાને લઈને મહિલાઓ હેન્ડ પંપ ખાતે પાણી ભરવા ઉમટી હતી.
શહેરા નગરના મુસ્લિમ વિસ્તાર ચોક્યા ફળિયા તેમજ આજુબાજુના વિસ્તારમાં રમજાન મહિનામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ હતી. આ વિસ્તારમાં નિયમિત પાણી નહીં મળતા બપોરના સમયે તેમજ સાંજે મહિલાઓ અને બાળકો રેફરલ હોસ્પિટલ ની બહાર આવેલા હેડ પંપ ખાતે પાણી ભરી રહયા હતા. જ્યારે હેડ પંપ ખાતે પાણી ભરવા આવેલી મહિલાઓ લાઈનમાં ઊભી રહેલ જોવા મળવા સાથે પાલિકા તંત્ર સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો. જોકે ઉનાળાની શરૂઆતથી નગર વિસ્તારમાં પાણીના પોકારો ઉઠી રહયા હોય ત્યારે આવનારા મે મહિનામાં નગરજનોને પાલિકા દ્વારા પીવાનું પાણી નિયમિત મળશે કે નહિ એવા અનેક સવાલો નગરજનોમાં ચર્ચાઇ રહ્યા હતા. મુસ્લિમ વિસ્તારમાં રમજાન માસમાં જ પાણીની સમસ્યા જોવા મળેલ હોય ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવવી જોઈએ તેમજ ઇન્ચાર્જ ચીફ ઓફિસર નગરના વિવિધ વિસ્તારની ક્યારે મુલાકાત લેશે એતો જોવુજ બની રહયુ છે. નગરપાલિકા દ્વારા નગર વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય નહીં તે માટે સરકાર માંથી આવેલ ગ્રાન્ટ નો ઉપયોગ કરવામાં આવ્યા બાદ પણ ઉનાળાની શરૂઆત સાથે નગરના અમુક વિસ્તારમાં પાણીના પોકાર ઉઠી રહયા હોય ત્યારે પાલિકાના સત્તાધીશો નિયમીત પાણી નગરજનોને મળે એ માટેનુ આયોજન કરવામાં નિષ્ફળ નીવડિયા રહયા હોય એવી અનેક ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી છે.