બાલાસિનોરમાં મેડિકલ સ્ટોર્સ પર પ્રિસ્ક્રિપ્સન વિના જ બારોબાર દવાનું વેચાણ

બાલાસિનોર, લોકોના આરોગ્ય સાથે ચેડાં : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રહેમનજરથી અચરજ.

બાલાસિનોર તાલુકાના દવાના સ્ટોર્સ પર કેટલીક હોસ્પિટલોની અંદર અને બહાર આવેલા મેડિકલ સ્ટોર્સ અનઅધિકૃત માણસો દ્વારા ચલાવી લોકોને દવાઓ આપી રહ્યા છે. કેટલાક મેડિકલ સ્ટોર્સ દ્વારા બેન્ચ નંબર અને પ્રમાણિત કરવામાં ન આવતી દવાઓનું વેચાણ અંદરખાને કરવામાં આવતું હોવાની ખાનગી વર્તુળમાંથી માહિતી મળતા આ અંગે સંબંધિત આરોગ્ય સાથે ખિલવાડ કરતા દવાની દુકાન ધારકોના લાયસન્સ સહિતનું ચેકીંગ કરાય તો દૂધનું દૂધ અને પાણી- પાણી બહાર આવે તેમ છે. બાલાસિનોર તાલુકા તેમજ નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મિલીભગતના કારણે ગેરકાયદે મેડિકલ સ્ટોર્સ ધમધમી રહ્યા છે. નગરના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની રહેમનજર હેઠળ આ સમગ્ર ગેરકાયદે સ્ટોર્સ ધમધમી રહ્યા છે, જેમ બોગસ તબીબો પર તંત્રએ કોરડો વિંઝ્યો છે. તે રીતે આવા ગેરકાયદે ધમધમતા મેડિકલ સ્ટોર પર પણ કડક કાર્યવાહી કરવી જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ મેડિકલ સ્ટોર પર પ્રિસ્ક્રીપ્સન વગર દવા આપવામાં આવતી નથી. પરંતુ બાલાસિનોરના કેટલાક મેડિકલ સ્ટોર્સ દ્વારા બેફામ રીતે વગર પ્રિસ્ક્રીપ્સને દવાઓ આપવામાં આવી રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, કેટલાક મેડિકલ સ્ટોર્સ ફાર્મસીસ્ટ વિના ચાલી રહ્યા છે, તો કેટલાક મેડિકલ સ્ટોર્સ ભાડાના ફાર્મસીસ્ટના સર્ટી પર ચાલી રહ્યા છે. અને મોટાભાગના મેડિકલ સ્ટોર્સ ઉપર ફાર્મસીસ્ટ હાજર હોતા નથી. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. જેની જાણ જાગૃતજનો દ્વારા તંત્રને કરી હોવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરતા આશ્ચર્ય ફેલાયું છે.