પાછલી સદીમાં ઇન્દિરા ગાંધીની તાનાશાહીને ઉખાડી ફેંકનારું જેપી આંદોલન જ્યારે ચરમ પર હતું ત્યારે એ આંદોલનના નાયક જયપ્રકાશ નારાયણને ચંદ્રશેખરે એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં ચંદ્રશેખરે આંદોલનમાં સામેલ થયેલા લોકો વિશે કહ્યું હતં કે તેઓ વ્યવસ્થા બદલવા માટે આંદોલનમાં સામેલ નથી થઈ રહ્યા, પરંતુ તેઓ સત્તા માટે આવી રહ્યા છે. ચંદ્રશેખર એ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં એ લોકો પોતપોતાની જાતિઓના નેતા સાબિત થશે. જેપી આંદોલનમાંથી પેદા થયેલા નેતાઓની રાજનીતિને ઊંડાણથી જોશો તો જોવા મળશે કે ચંદ્રશેખરની ચિંતા કેટલી સાચી હતી. આઝાદીના બીજા આંદોલન બાદ દેશે આ નેતાઓ પાસે વ્યવસ્થા પરિવર્તનની આશા રાખી હતી, પરંતુ એ આંદોલનના નાયકોએ વ્યવસ્થા પરિવર્તનને બદલે પહેલેથી ચાલતી રાજકીય વ્યવસ્થામાં જ ખુદને ખપાવીને એ જ પરંપરા ચાલુ રાખી, જેના માટે તેઓ કોંગ્રેસની ટીકા કરતાં થાક્તા ન હતા.
જેપી આંદોલનના નાયકોની અહીં ચર્ચાને લઈને પ્રશ્ર્ન ઉઠવો સ્વાભાવિક છે કે તેનો સંદર્ભ શો છે? દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે શું રાજનીતિ અને તેના નાયક આંદોલનોનો ઉપયોગ માત્ર પોતાની અંગત રાજકીય હેસિયત ઊભી કરવા માટે જ કરે છે? આંદોલનો દરમ્યાન ગળું ફાડી-ફાડીને તેઓ જે વ્યવસ્થા પરિવર્તનની વાત કરતા હોય છે, શું તે માત્ર તાક્ત હાંસલ કરવાનો રસ્તો જ હોય છે. જેપી આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા લાલુ પ્રસાદ યાદવ હોય કે પછી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી ઉભરલા અરવિંદ કેજરીવાલ, તેમની રાજનીતિ અને તેમના હાલહવાલ જોઈને તો એવું જ લાગે છે.
આજની યુવા પેઢી જેપી આંદોલન બાદ પેદા થઈ છે. તથી તે જેપી આંદોલન અને તેના નૈતિક દાવાની સાક્ષી નથી રહી. જેપી આંદોલનમાં સામેલ રહેલી પેઢી જોકે હજુ પણ છે. આજની યુવા પેઢીએ ૨૦૧૧માં શરૂ થયેલ ભ્રષ્ટાચાર આંદોલન જોયું છે. ફેબ્રુઆરી ૨૦૧૧માં રામલીલા મેદાનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ઘ થયેલા આહ્વાન દરમ્યાન કેટલાય દિગ્ગજો જોડાયા. ત્યારે દેશમાં કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ અને ટુજી કૌભાંડના પડઘા સંભળાતા હતા. મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર વિરુદ્ઘ સફળ આંદોલન ચલાવી ચૂકેલા અન્ના હજારેના નેતૃત્વમાં એ આંદોલનનો સૂત્રપાત થયો. ત્યારે એવો માહોલ બન્યો હતો કે હવે તો દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. અન્ના જોકે રાજકારણમાં આવવાની વિરુદ્ઘ હતા, પરંતુ ત્યારે તેમના શિષ્ય રહેલા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ અન્ય સાથીઓ સાથે મળીને નવા પ્રકારની રાજનીતિનો વાયદો કરતાં રાજકીય પક્ષની રચના કરી. ત્યારે લોકોને એવી આશા બંધાઈ કે જો તેમને સત્તા મળી તો ભાવિ શાસન ભ્રષ્ટાચાર મુક્ત હશે. હવે આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. અદાલતમાંથી પણ તેના નેતાઓને કોઈ રાહત મળતી નથી દેખાતી. એવામાં સ્વચ્છ રાજનીતિનું સપનું પણ વસ્ત થતું દેખાઈ રહ્યું છે.
આંદોલનોના સફળ થયા બાદ જનઆકાંક્ષાઓનો ઉભરો આવતો હોય છે. જનતા આંદોલનકારીઓએ બતાવેલાં સપનાંને હંમેશાં સાચાં માની લે છે. જેપી આંદોલન બાદની રાજનીતિ હોય કે અન્ના આંદોલન બાદ ઉભરેલી રાજનીતિ કે પછી અસમના છાત્ર આંદોલન બાદ થયેલી ચૂંટણીઓ હોય, લોકમાનસ ખુલ્લા દિલે એ લોકો સાથે ઊભું થયું, જેમણે પોતાના આંદોલનના ઉદ્દેશ્યને જમીની હકીક્ત બનાવવાનું સપનું દેખાડ્યું. જોકે આંદોલન બાદ ઉભરેલી જનતા પાર્ટીથી માંડીને અસમ ગણ પરિષદ અને આમ આદમી પાર્ટીએ પણ આમ આદમીનાં એવાં સપનાંને તોડવાનું જ કામ કર્યું. વ્યવસ્થા બદલવાનું સપનું દેખાડનારી રાજનીતિ એ જ વ્યવસ્થા અને પરિપાટીનો હિસ્સો બનવા લાગી, જેને પલટી નાખવા માટે તેણે આંદોલન કર્યું હતું. જનતા પાર્ટીના નેતાઓને જયપ્રકાશ નારાયણે ગાંધીજીની સમાધિ રાજઘાટ પર શપથ અપાવી. તેના દ્વારા તેમણે દેશ અને દુનિયાને સંદેશ આપ્યો કે જેપી આંદોલનના સેનાનીઓની સરકાર રામરાજ્યને મૂર્ત રૂપ આપીને રાષ્ટ્ર નિર્માતાઓનાં સપનાંને સાકાર કરશે. અસમના છાત્ર આંદોલન બાદ ઉભરેલી અસમ ગણ પરિષદની સરકાર પણ એક પ્રકારે અસમની રાજકીય સંસ્કૃતિને બદલવાનાં સપનાં સાથે આગળ વધી. ગેરકાયદે ઘૂસણખોરોને બહાર કરવાના જે આંદોલન સાથે તે ઉભરી હતી, તે હેતુને પૂરો કરવાને બદલે તેના નેતાઓ પરસ્પર જ લડવા લાગ્યા.