મધ્યપ્રદેશ બોર્ડર ઉપરથી એક કરોડથી વધુ રોકડ અને ચાંદીનો જથ્થો ઝડપાયો છે. પીટોલ બોર્ડર ઉપરથી ઇન્દોરથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાથી બીન વારસી હાલતમા રોકડ રકમ અને ચાંદી મળી આવી છે. પીટોલ બોર્ડર ઉપર ચેકીંગ દરમ્યાન રાહુલ ટ્રાવેલ્સમાથી થેલામા ભરેલ બીન વારસી મળી આવી છે. જેને લઇ મધ્ય પ્રદેશ પોલીસએ કાયદેસરની કાર્યવાહી કરી છે. લોકસભા ચુંટણીને લઈ પોલીસ અને એસઆઇટી દ્વારા મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
લોકસભાની ચૂંટણીને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાઇ રહે તે માટે પ્રશાસન દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે અને રોકડ રકમની હેરાફેરી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા આ દિવસોમાં સરહદી વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્ય પ્રદેશની પીટોલ બોર્ડર ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક બસમાંથી એક કરોડ ઉપરાંતની રોકડ રકમ તેમજ ચાંદી કબજે કર્યાનું જાણવા મળે છે.
ઝાબુંવા જિલ્લાના પીટોલ બોર્ડર પરથી રાત્રે એસએસટી તેમજ એફએસટીની ટીમોએ સ્થાનિક પોલીસની સાથે મળી ઉજ્જૈન પાસિંગની રાહુલ ટ્રાવેલ્સની બસની તપાસ કરતા ચોકી ગઇ હતી. ડીકીમાં મુકેલી એક બેગમાંથી બિનવારસી એક કરોડની રોકડ રકમ અને ચાંદીનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ બસ ગુજરાતમાં રાજકોટ તરફ આવી રહી હતી. બસમાં સવાર મુસાફરો તેમજ બસના ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા કોઈએ પણ આ બેગ માલિકી દર્શાવી ન હતી.જો કે વધુ તપાસ કર્યા બાદ પોલીસે રોકડ અને ચાંદીનો જથ્થો જપ્ત કરી બસના ચાલક તેમજ ક્લીનરનો નિવેદનો લઈ બસને આગળ રવાના કરી હતી. અને બસના માલિકને નોટિસ મોકલી બોલાવ્યા છે.
લોકસભા ચૂંટણી જાહેરાત થઇ ચુકી છે. અને આદર્શ આચાર સંહિતા લાગુ છે ત્યારે આટલી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવતા ચુંટણી પંચ દ્વારા પણ તેની તપાસ કરવામાં આવશે તેમજ કાળુનાણુ હશે તો જપ્ત કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે.આ રકમ કોની છે અને કયા કારણોસર લઇ જવામાં આવતી હતી તે અંગે તપાસ થઇ રહી છે.