ગોધરા,પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી ગોધરા સહિત વેગનપુર, મહેલોલ, દામાવાવ, ખાતે બિનઅધિકૃત રીતે ઓવરલોડ વહન કરતા 3 ટ્રેકટર અને 4 ટ્રક સહિત રૂ.1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
બાતમીના આધારે ગોધરા શહેર સહિત તાલુકામાં આવેલ વેગનપુર અને મહેલોલ તથા દામાવાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી, માટી અને બ્લેકટ્રેપ ભરીને જઈ રહ્યાની બાતમીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકિંગ દરમિયાન 3 ટ્રેકટર અને 4 ટ્રકની અટકાયત કરી હતી. ચાલક પાસેથી પાસ પરમીટ માંગતા તેણે આપ્યા ન હતા. જેથી ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમે માટી ભરેલા બે ટ્રેકટરને સીઝ કરી દામાવાવ ખાતે અને 1 ટ્રેકટર અને 4 ટ્રકને ગોધરા કલેકટર કચેરી ખાતે સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાતમીના આધારે ગોધરા શહેરના વડોદરા હાઈવે પાસે આવેલ સ્ટાર હોટલ પાસેથી એક રેતી ભરેલ ટ્રક અને ગોધરા તાલુકાના મહેલોલ ગામેથી બે ટ્રક બ્લેકટ્રેપ ભરેલ અને ગોધરા તાલુકાના વેગનપુર ગામેથી એક ટ્રેકટર ઝડપી પાડ્યુ હતુ.જયારે ઘોઘંબા તાલુકામાં આવેલ દામાવાવ પાસેથી બે ટ્રેકટર માટી ભરેલા અને એક ટ્રક બ્લેકટ્રેપ ભરેલી આમ પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે છેલ્લા બે દિવસમાં 3 ટ્રેકટર અને 4 ટ્રક મળીને 1.10 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી 3 શખ્સોની અટકાયત કરી હતી. જયારે પકડાયેલ મુદ્દામાલને દામાવાવ અને ગોધરા કલેકટર કચેરી ખાતે સીઝ કરીને મુકવામાં આવ્યો હતો.