કાલોલના મધવાસ અને મધવાસની મુવાડી ગામે રોડ ઉપર ખાડા : વાહનચાલકો પરેશાન

કાલોલ કાલોલ તાલુકાના મધવાસ અને મધવાસની મુવાડી ગામના રોડ પર મોટા મોટા ખાડા પડી જતાં વાહનચાલકો પરેશાન જોવા મળ્યા છે.મધવાસ ચોકડીથી હાલોલ જીઆઈડીસીને જોડતા આ રોડ પર અનેક કંપનીઓ આવેલી હોય કામદારો વાહનચાલકોની હાલત પણ કફોડી બની છે.કાલોલ-હાલોલ હાઈવે સ્થિત મધવાસ ચોકડીથી મધવાસ ગામ અને મધવાસની મુવાડી સહિત હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં જવાના સીધા માર્ગનો રોડ પર પાછલા ધણા સમયથી તુટી જતાં વાહનચાલકોની દયનીય સ્થિતિ બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકા વિસ્તારમાં આવેલા કાલોલ-હાલોલ હાઈવે સ્થિત મધવાસ ચોકડીથી મધવાસ અને મધવાસની મુવાડીથી આગળ ગેટ મુવાડાથી હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં જવાના રોડ ઉપર પાછલા બે-ત્રણ ચોમાસાથી રોડ તુટીને મોટા મોટા ખાડા પડી ગયા છે. જેને કારણે રોડ પર અવર જવર કરતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે,આ રોડ પર મધવાસ, મધવાસની મુવાડી સહિત હાલોલ-કાલોલ જીઆઈડીસીની ધણી બધી કંપનીઓ આવેલી છે. જે કંપનીઓમાં અપડાઉન કરતા કામદારો પણ ત્રાહિમામ પોકારી ગયા છે.જવાબદાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહેલી તકે સમારકામ કરીને ચોમાસુ સીઝન પહેલા સમગ્ર રોડનુ નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.