
શહેરા,પંચમહાલ કરણી સેના દ્વારા લોકસભાના રાજકોટના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને સખત વિરોધ કરવામાં આવ્યો હતો.જ્યારે શહેરા મામલતદારને કરણી સેનાના જીલ્લા પ્રમુખ જશવંતસિંહ સોલંકી સહિતના યુવાનોએ આવેદનપત્ર પાઠવીને રૂપાલા સામે યોગ્ય કાર્યવાહી કરીને ટિકિટ રદ કરવાની માંગણી કરાઈ હતી.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો ઉઠ્યો હોય ત્યારે પંચમહાલમાં પણ કરણી સેના દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરા બસ સ્ટેશનની સામે આવેલી તાલુકા સેવા સદન ખાતે કરણી સેનાના જીલ્લા પ્રમુખ જશવંતસિંહ સોલંકી સહિતના યુવાનો એકત્રિત થયા હતા. મામલતદાર ધર્મેન્દ્ર પટેલને કરણી સેનાના જીલ્લા પ્રમુખ જસવંતસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ સહિતના યુવાનોએ રૂપાલાના વિવાદિત નિવેદન નો સખત વિરોધ કરીને આવેદન પત્ર પાઠવ્યું હતું. સાથે એમ પણ જણાવ્યું હતું કે, અમારો વિરોધ ભાજપનો નથી. રૂપાલાની અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેને લઈ સામાજીક વૈમનસ્ય ફેલાવવા બદલ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવવી જોઈએ એવી અમારી માંગણી છે. જોકે, મામલતદાર ધર્મેન્દ્ર પટેલએ આવેદન સ્વીકારી ઉચ્ચકક્ષા સુધી રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આપી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા કરાઇ રહેલા વિરોધની દિવસે ને દિવસે તિવ્રતા વધી રહી હોય જેને લઈ પરસોતમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે ભાજપ દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તેના પર ક્ષત્રિય સમાજની મીટ મંડાઇ હતી.