
- જીલ્લાની આંગણવાડી કેન્દ્રો ખાતે ખાસ ઝુંબેશ,ઘરે ઘરે જઈને વધુમાં વધુ મતદાન કરવા અંગે બહેનોએ પ્રતિજ્ઞા લીધી.
ગોધરા, ભારતના ચૂંટણીપંચની સુચના મુજબ લોકશાહી પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તથા મતદાન પ્રક્રિયામાં તમામ વર્ગોની ભાગીદારી વધે તે હેતુથી પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.જીલ્લામાં આગામી ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મત આપે તથા લોકશાહીના પર્વમાં મહિલા મતદારોની ભાગીદારી વધુમાં વધુ સુનિશ્ચિત થાય તેને લઈને અનેક જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
પંચમહાલ લોકસભા મતવિસ્તારના તમામ મહિલા મતદારો 5ણ લોકશાહીના તહેવારમાં પોતાનો અમુલ્ય વોટ આપી લોકતંત્રને મજબુત કરે તે થીમ આધારે જીલ્લાની ગ્રામ્ય આંગણવાડી કેન્દ્રો ખાતે રંગોળી,પોસ્ટર તેમજ મહેંદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ સાથે જીલ્લામાં જ્યાં મહિલાઓનું મતદાન ઓછું નોંધાયું હતું ત્યાં આંગણવાડી બહેનો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરીને ડોર ટુ ડોર મતદાન જાગૃતિ અંગે અભિયાન ચલાવ્યું હતું.જીલ્લાની બહેનોએ પણ ચાલુ વર્ષ 2024 લોકશાહીના પર્વમાં પોતે અને પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી.