રક્ષા નિકાસમાં વૃદ્ઘિ

નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દેશની રક્ષા નિકાસ ૨૧,૦૮૩ કરોડ રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ, જે ૨૦૨૨-૨૩ની તુલનામાં ૩૨.૫ ટકા વધારે છે. જો આ ભારે વધારાની તુલના નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪ સાથે કરવામાં આવે તો નિકાસમાં છેલ્લા એક દાયકામાં ૩૧ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૦૪-૦૫ અને ૨૦૧૩-૧૪ તથા ૨૦૧૪-૧૫ અને ૨૦૨૩-૨૪ની વૃદ્ઘિની તુલના કરીએ તો નિકાસ ૨૧ ગણી વધી છે. વર્ષ ૨૦૦૪-૦૫ અને ૨૦૧૩-૧૪ વચ્ચે ૪૩૧૨ કરોડ રૂપિયાના રક્ષા ઉત્પાદનોની નિકાસ થઈ હતી, જ્યારે ૨૦૧૪-૧૫થી ૨૦૨૩-૨૪ની અવધિમાં આ આંકડો ૮૮,૩૧૯ કરોડ રૂપિયા જઈ પહોંચ્યો. આ આંકડાથી રક્ષા ઉત્પાદનના ક્ષેત્રે તીવ્ર વિકાસનું અનુમાન સહજ રીતે લગાવી શકાય છે. હાલનાં વર્ષોમાં રક્ષા ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકારે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમાં સૌથી મુખ્ય છે રક્ષા ક્ષેત્રે ખાનગી ભાગીદારી અને વિદેશી રોકાણની અનુમતિ. તેનાથી રોકાણની સાથે સાથે ટેકનિક હાંસલ કરવાની સુવિધા પણ વધી અને રોજગારના નવા અવસરોનું સર્જન પણ થયું. ટેકનિક અને સંસાધનો વધવાથી શોધ અને સંશોધનમાં પણ પ્રગતિ આવી છે.

નીતિગત સુધારાની સફળતાનો અંદાજો એ વાતે લગાવી શકાય છે કે નિકાસમાં ૬૦ ટકા યોગદાન ખાનગી ક્ષેત્રનું છે અને ૪૦ ટકાની ભાગીદારી રક્ષા ક્ષેત્રના જાહેર સાહસોનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ્ય રીતે જ આ ઉપલબ્ધિને દેશની વધતી ક્ષમતાની અભિવ્યક્તિ ગણાવી છે. ઉત્પાદન અને નિકાસ વધવાનું બીજું મુખ્ય કારણ એ છે કે સરકાર પોતાની રક્ષા જરૂરિયાતો માટે દેશમાં બનેલા ઉત્પાદનોને પ્રાથમિક્તા આપી રહી છે. સરકારે ઘણી ચીજોની એક યાદી બનાવી છે, જેની ખરીદી દેશમાં જ થઈ શકે છે, એટલે કે તેની આયાત નથી કરી શકાતી. આ યાદી સમયે સમયે સંશોધિત થતી રહે છે અને તેમાં નવાં ઉત્પાદનો ઉમેરવામાં આવે છે. આ નિર્ણયનું બીજું સકારાત્મક પાસું એ છે કે દેશમાં જ ખરીદી કરીને આપણે બહુમૂલ્ય વિદેશી મુદ્રાની બચત પણ કરી રહ્યા છીએ તથા આયાત પર આપણી નિર્ભરતા પણ ઘટી રહી છે. નીતિગત સુધારા અને સરકારની ખરીદીથી ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ પ્રયાસોથી વિભિન્ન દેશોમાં ભારતીય રક્ષા ઉત્પાદનો પ્રત્યે ભરોસો વધ્યો છે અને તે ભારતથી પોતાની આયાત વધારી રહ્યા છે. રક્ષા નિકાસને ઉત્તેજન આપવામાં ડિજિટલ વ્યવસ્થાથી પણ મદદ મળી છે. તેનાથી સમગ્ર પ્રક્રિયા તેજ અને પારદર્શી થઈ છે. રક્ષા નિકાસ આથક વિષય હોવા તથા દેશને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવાની સાથે સાથે રણનીતિક અને સૈન્ય દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી આપણી રક્ષા ક્ષમતાને મજબૂતી તો મળે જ છે, સાથે જ આયાતક દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો પણ સુધરે છે.