આઇપીએલમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી છીનવ્યુ ચેઝિંગ માસ્ટરનું બિરુદ

નવીદિલ્હી, આઇપીએલમાં પંજાબ કિંગ્સને ચેઝમાસ્ટરનું બિરુદ મળ્યું છે. કેમ ન મળે, પંજાબ કિંગ્સે છઠ્ઠી વખત ૨૦૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં વિજય મેળવ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેના વિજય સાથે પંજાબ કિંગ્સે આઇપીએલમાં તેનો સળંગ બીજો વિજય નોંધાવ્યો હતો. બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ અંતિમ ઓવર સુધી રસાક્સીથી ભરેલી હતી, જ્યાં પંજાબ કિંગ્સે યુવાઓના દમ પર વિજય મેળવ્યો હતો.

પંજાબ કિંગ્સમાં કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને ગુજરાત ટાઇટન્સને બેટિંગમાં ઉતાર્યુ હતુ. ગુજરાત ટાઇટન્સે કેપ્ટન ગિલની તોફાની બેટિગ વડે આવેલા ૮૯ રનની મદદથી ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૯૯ રન કર્યા હતા. આના પગલે તે સુનિશ્ર્ચિત થઈ ગયું હતું કે પંજાબ કિંગ્સે પહેલી ઓવરથી જ દબાણ હેઠળ રમવું પડશે. પંજાબ કિંગ્સે એક સમયે ૭૦ રનમાં ૪ વિકેટ ગુમાવી હોવા છતાં પણ યુવા ખેલાડીઓના આક્રમક દેખાવના સથવારે વિજય મેળવ્યો હતો. પંજાબ કિંગ્સે એક બોલ બાકી હતો ત્યારે સાત વિકેટ ગુમાવી ૨૦૦ રન કરી વિજય મેળવ્યો હતો.

પંજાબ કિંગ્સના આ વિજયમાં યુવા ખેલાડીઓનો જબરદસ્ત ફાળો હતો. શશાંક સિંહે ૨૯ બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની તોફાની ઇનિંગ્સ રમી હતી. આ રન ચેઝમાં તેને સાથ આપનારા આશુતોષ શર્માએ ૧૬ બોલમાં ૩૧ રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી. જ્યારે જિતેશ શર્માએ ૧૬ રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી.

ગુજરાત ટાઇટન્સે આ મેચમાં પંજાબ કિંગ્સ માટે ૨૦૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબ કિંગ્સે આઇપીએલમાં છઠ્ઠી વખત આ લક્ષ્યાંક ચેઝ કર્યો હતો. પંજાબ કિંગ્સ જેવું કારનામું બીજી કોઈ ટીમ કરી શકી નથી. આઇપીએલમાં કોઈપણ ટીમ આટલી વખત ૨૦૦ કે તેથી વધુ રનનો લક્ષ્યાંક ચેઝ કરી શકી નથી. આ વિજયના પગલે તેણે હવે મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી ચેઝિંગ માસ્ટરનું બિરુદ છીનવી લીધું છે. પંજાબ કિંગ્સ આ વિજય સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર આવી ગયું છે.