વીર સાવરકર માટે અંક્તિાએ એક પણ રૂપિયો નથી લીધો

મુંબઇ, વીર સાવરકર ફિલ્મ સિનેમાઘરોમાં આવી ગઇ છે. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં રણદીપ હૂડા અને અંક્તિા બંનેની એક્ટિંગને દર્શકોએ વખાણી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મનું પ્રમોશન અલગ અલગ રીતે કરી રહ્યાં છે. તાજેતરમાં જ ફિલ્મની એક્ટ્રેસ અંક્તિા લોખંડે સિનેમાઘરમાં પહોંચી હતી.

તેણે ઓડિયન્સ સાથે ઇન્ટરેક્શન કર્યું હતું અને પોતાના કેરેક્ટર વિશે દર્શકોનો પ્રતિભાવ જાણ્યો હતો. આ ફિલ્મના પ્રમોશનમાં ફિલ્મની સ્ટારકાસ્ટ અને પ્રોડ્યુસર સંદીપસિંહે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે એ વાત ક્લિયર કરી હતી કે વીર સાવરકર માટે અંક્તિાએ એક પણ રૂપિયો નથી લીધો. તેણે કહ્યું હતું કે હું અને અંક્તિા લાંબા સમયથી મિત્રો છીએ. અમે કરિયરના શરૂઆતના દિવસોથી સાથે છીએ, એ મારી સારી મિત્ર છે પણ તેણે અત્યારે જે કર્યું છે એ હું ક્યારેય નહીં ભૂલું. હું જાણું છું તેનું કેલિબર કેટલું છે. તેની અંદર ખૂબ આવડત છે એટલે જ વીર સાવરકર બનાવવાનો વિચાર કર્યો ત્યારે મારા મગજમાં અંક્તિાનું નામ જ હતું.

આ વાતનો જવાબ આપતાં અંક્તિા જણાવે છે કે સંદીપે કહ્યું એ પ્રમાણે અમે લાંબા સમયથી મિત્રો છીએ. તે જ્યારે ભણસાલી પ્રોડક્શનમાં કામ કરતો ત્યારે પણ અમે સાથે જ હતાં. એની સ્ટ્રગલ મેં જોયેલી છે. ફાઇનાન્શિયલ ક્રાઇસીસ એને છે એ હું જાણું છું છતાં એણે હિંમત કરીને આવી સરસ ફિલ્મ બનાવી એ મારા માટે ગર્વની વાત છે. મારો મિત્ર જ્યારે ફિલ્મ બનાવતો હોય તો હું પૈસા લઉં એટલી મૂરખ નથી. એના સારા-નરસા દરેક સમયે હું એની સાથે ઊભી રહી છું તો એની ફિલ્મમાં હું પૈસા કેવી રીતે લઇ શકું. અહીં તમે પાક્કી મિત્રતા કહી શકો. સંદીપ માટે મને હંમેશાં માન રહ્યું છે. બસ, આ જ વસ્તુ છે કે મેં પૈસા વિશે ન વિચાર્યું. એ જ્યારે મારી પાસે ઓફર લઇને આવ્યો ત્યારે જ મેં એને જણાવી દીધું હતું કે તું મારા માટે ફિલ્મની ઓફર લઇને આવ્યો એ જ મારા માટે મોટી વાત છે હવે તું પૈસાની વાત ન કરીશ.

વૅલ, આમ પણ અંક્તિા ફિલ્મમાં આવવા માટે સ્ટ્રગલ કરી જ રહી હતી. એણે ઘણી વાર પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે મેં કંગનાની ફિલ્મ કરી એ પછી મને એમ હતું કે બીજી ફિલ્મોની ઓફર આવશે પણ મને હજી સુધી બીજી સારી ફિલ્મોની ઓફર નથી થઇ એ મારા માટે દુ:ખદ વાત છે. જોકે બિગ બોસમાં તેને ઘણી પ્રસિદ્ધિ મળી છે એટલે એ શૉ પછી એને મોટો પ્રોજેક્ટ મળશે એવી દરેકને આશા હતી જ. બિગ બોસમાં અંક્તિાને તેના સ્વભાવને લઇને, તેના સંબંધને લઇને સારી અને ખરાબ બંને પ્રકારની પ્રસિદ્ધિ મળી છે. એ પછી વીર સાવરકરમાં પણ તેના કેરેક્ટરનાં અને એક્ટિંગનાં વખાણ થઇ રહ્યાં છે તો આશા રાખીએ કે ફ્યુચરમાં તેને વધારે ફિલ્મો મળી રહે.