યુપીના ૧૭ લાખ મદરેસા વિદ્યાર્થીઓને રાહત, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો

નવીદિલ્હી, સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ૨૨ માર્ચે આપેલા આદેશ પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં ’યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ ૨૦૦૪’ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું યોગ્ય નથી કે મદરેસા બોર્ડ બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે મદરસા બોર્ડના ૧૭ લાખ વિદ્યાર્થીઓ અને ૧૦ હજાર શિક્ષકોને અન્ય શાળાઓમાં એડજસ્ટ કરવાની પ્રક્રિયા પર પણ રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે આ મામલે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારને પણ નોટિસ પાઠવી છે.

અંશુમાન સિંહ રાઠોડ નામના વકીલે યુપી મદરસા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી, જેના પર હાઈકોર્ટે મદરસા કાયદાને ગેરબંધારણીય માનીને રદ કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બનેલી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે ’સરકારને ધામક શિક્ષણ માટે બોર્ડ બનાવવાની કે કોઈ ચોક્કસ ધર્મ માટે સ્કૂલ એજ્યુકેશન બોર્ડની રચના કરવાની સત્તા નથી.’ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે પોતાના આદેશમાં રાજ્ય સરકારને રાજ્યની મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં સમાવવાનો નિર્દેશ આપ્યો હતો.

હાઈકોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે મદરેસા કાયદો ’યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) એક્ટ ૧૯૫૬’ની કલમ ૨૨નું પણ ઉલ્લંઘન કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર પ્રદેશમાં ૧૬,૫૧૩ રજિસ્ટર્ડ અને ૮,૪૪૯ અનરજિસ્ટર્ડ મદરેસાઓ કાર્યરત છે. જેમાં લગભગ ૨૫ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.