પ્રથમ તબક્કાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું : આ સાથે જ ચુંટણી પ્રક્રિયાનો પ્રારંભ


ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે ૩ નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કા માટે આજે એટલે કે ૫ નવેમ્બરે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા તબક્કા માટે નોટિફિકેશન ૧૦ નવેમ્બરે જારી કરવામાં આવશે. ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે મતદાન થશે. ૮મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૪ નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી ૧૫ નવેમ્બરે થશે. ૧૭ નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરના રોજ યોજાશે. પ્રથમ તબક્કામાં કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, નર્મદા, રાજકોટ, ભરૂચ, જામનગર, સુરત દ્વારકા તાપી પોરબંદર ડાંગ જુનાગઢ નવસારી ગીરસોમનાથ વલસાડ અને અમરેલીમાં મતદાન મતદાન યોજાશે.

ગુજરાત વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતે રાજ્યમાં કુલ ચાર કરોડ ૯૦ લાખ ૮૯ હજાર ૭૬૫ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં બે કરોડ ૫૩ લાખથી વધુ પુરૂષો છે, જ્યારે લગભગ ૨ કરોડ ૩૭ લાખ મહિલાઓ છે. આ વખતે રાજ્યમાં ૫૧ હજાર ૭૮૨ મતદાન મથકો અને ૧૪૨ મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે ૧૮૨ મતદાન મથકો દિવ્યાંગો માટે અને ૧૨૭૪ મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ત્રણ લાખ ૨૪ હજાર ૪૨૨ મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતે ૫૦ ટકા મતદાન મથકોમાં વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યના ૧૨૭૪ મતદાન મથકો પર માત્ર મહિલાઓને જ તૈનાત કરવામાં આવશે. ગુજરાત ચૂંટણી માટે ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર બંને સંપૂર્ણ રીતે તૈયાર છે, કોઈપણ ક્સર બાકી ન રહે તે માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.