મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાનો અનુરોધ

મહીસાગર, મધ્ય- દક્ષિણ ગુજરાતના મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી તા: 10/04/2024 અને 11/04/2024 દરમ્યાન વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાનો અનુરોધ..

વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઊભા પાક જેવા કે, મકાઇ, મગ, બાજરી, દિવેલા, મગફળી, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.

ઉપર જણાવેલ પાકોમાં રોગ-જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયત્રંણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધતી અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

વાતાવરણ બદલવાની શક્યતા હોવાને લઈ ઉભા પાકમાં હાલ પૂરતુ પિયત ન આપવુ, ફળ પાકો/શાકભાજી પાકોને સમયસર ઉતારી બજારમા સુરક્ષિત પહોચાડવા, વરસાદથી ખેતરમા પાણી ભરાયેલ હોય તો તુરંત નિકાલ કરવો, ખેતરમા કાપણી કરેલ ઘઊં/ ઘાસચારાના ઢગલાને વ્યવસ્થિત રીતે તાડપત્રીથી ઢાંકવા, તૈયાર પાકની કાપણી/થ્રેસિંગ કરેલ હોય તો તૈયાર પાકને ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી, ખેત સામગ્રી જેવી કે ખાતર, બિયારણ, દવા ભીંજાય નહી કે ભેજ ના લાગે તે મુજબ સુરક્ષીત ગોડાઉનમા રાખવુ.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જીલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-18001801551નો સંપર્ક કરવો. તેમ જીલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત મહીસાગર લુણાવાડાની અખબારી યાદીમાં જણાવેલ છે.