
અમદાવાદ,
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. લાંબા સમયથી જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હતા. થોડા દિવસ પહેલાં જ ૨૯ ઓક્ટોબરે જયનારાયણ વ્યાસ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. હવે જયનારાયણ વ્યાસ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચા તેજ બની છે. જયનારાયણ વ્યાસ હવે કોંગ્રેસમાં જોડાશે કે આપમાં? તે અંગે ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે જયનારાયણ વ્યાસે એક નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. ભાજપને રામ રામ કહેનારા જયનારાયણ વ્યાસે ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે પાટણ જિલ્લા ભાજપથી કંટાળી રાજીનામું આપ્યુ છે. મારી પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ બે માર્ગ ખુલ્લા છે.
પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, મેં ૩૨ વર્ષ બીજેપી સાથે ગાળ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું નારાજ છું. મેં અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે સમુ સુથરૂ કર્યુ. દર વખતે પ્રદેશ અયક્ષને રજુઆત કરવી યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ભાજપ અયક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે. આજે હું કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી નિર્ણય કરીશ.
જયનારાયણ વ્યાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હું ચુંટણી લડીશ. સિધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. મારા માટે કોંગ્રેસ અને આપ બન્નેમાં દ્વાર ખુલ્લા છે. દરેક પાર્ટીના નેતાઓ મારે ત્યાં આવે છે. કોંગ્રેસ અને આપ બન્ને પાર્ટીઓમાં જવાના મારી પાસે ઓપ્શન છે. પાટણ જિલ્લા ભાજપ પર ચાર પાંચ લોકો કબજો જમાવીને બેઠા છે. જે પાર્ટીને આગળ વધારવાનું નહી પણ ટાંટીયા ખેંચનુ કામ કરે છે.
મહત્વનું છે કે, ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે. જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.. પરંતુ તેમની ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. જોકે શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર થઈ હતી..જે બાદ મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યાની વાત વહેતી થઈ હતી..