- ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ કોરોના શંકાસ્પદ, એકાએક એપોલો હોસ્પિટલમાં દાખલ થતા સંપર્કમાં આવેલા લોકોમાં ફફડાટ
કોરોના મહામારી વચ્ચે અનેક ટીકાઓ બાદ પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલીઓ કાઢનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોના શંકાસ્પદ જણાયા છે. અને એકાએક એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેથી સંપર્કમાં આવેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાટીલે ટ્વિટ કરી કહ્યું હતું કે, મારી તબિયત સારી છે, મારો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે. અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું.
રેલીઓ, કાર્યક્રમોમાં ભાગ લેનાર અનેક કોરોનાની ઝપટે ચડ્યા
ભાજપના પ્રદેશ પ્રમુખ પદે વરણી થયા બાદ સી.આર.પાટીલની પ્રવાસ કરી રહ્યા છે. તેમજ મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે સતત બેઠકો કરી રહ્યા છે. તેમના કાર્યક્રમોમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન ન થતા વિપક્ષ આકરી ટીકા કરતું આવ્યું છે. તેમના કાર્યક્રમોની ભીડ જોય કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી ભીતિ હતી. જે મહદઅંશે સાચી ઠરી રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેમના પ્રવાસ દરમિયાન હાજર રહેલા અનેક નેતાઓ, મંત્રીઓ, ધારસભ્યો, સાંસદો, જિલ્લાના આગેવાનો કોરોના સંક્રમિત થયા છે.
પાટીલને નબળાઈ જણાતા હોસ્પિટલમાં દાખલ થયા
આજે સી.આર. પટેલ એકાએક એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા, તેઓને નબળાઈ જણાતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અને સિટી સ્કેન પણ કરવામાં આવ્યું હતું. રેપીડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું તેઓ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું. જો કે RT-PCR ટેસ્ટ માટે તેમના સેમ્પલ લેવાતા ચિંતા ઘેરી બની છે. તેમના સંપર્ક માં આવેલા મંત્રી , કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે. RT-PCR ટેસ્ટનો રીપોર્ટ રાત સુધીમાં આવી જવાની શક્યતા છે.
કમલમમાં ફેલાતો કોરોના
ઉલ્લેખનીય છે કે, કમલમ પ્રદેશ કાર્યાલયમાં કોરોનાના કેસ નોંધાયા છે. પ્રવક્તા ભરત પંડ્યા, કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, 2 સફાઈકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ફફડાટ વધ્યો છે.