દવાની ગુણવત્તા

યોગગુરુ સ્વામી રામદેવ અને પતંજલિ આયુર્વેદના ર્ક્તાહર્તા આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ઘ દાખલ ભારતીય ચિકિત્સા સંઘ (આઇએમએ)ની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જે કંઈ કહ્યું તેના ગૂઢ અર્થ છે અને તેને વ્યક્તિ કે સંસ્થા વિશેષના કેસ રૂપે ન જોવો જોઇએ. શીર્ષ અદાલતે સ્પષ્ટ કહ્યું કે સુપ્રીમ કોર્ટ જ નહીં, દેશની કોઇપણ અદાલતે જો કોઈ આદેશ પસાર કર્યો હોય તો તેનું અક્ષરશ: પાલન કરવું જોઇએ. અદાલતે પોતાની ટિપ્પણીમાં એક વાર ફરીથી વ્યક્ત કરી દીધું છે કે કોઈ ગમે તેટલું વગદાર કેમ ન હોય, કાયદાનો મહિમા સૌથી ઉપર છે. નિ:સંદેહ ભારતીય ન્યાયપાલિકાની દુનિયાભરમાં સાખ છે અને આ પ્રતિષ્ઠા તેણે એક-બે મહિના કે વર્ષમાં નથી કમાઈ, તે ન્યાય પ્રત્યે તેની દાયકાઓની પ્રતિબદ્ઘતાનું ફલિતાર્થ છે. એવામાં સર્વોચ્ચ ન્યાયાલયે આ મામલે પોતાના આદેશની અવગણનાને યોગ્ય રીતે ગંભીરતાથી લીધી છે. સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની શીર્ષ અદાલતમાં હાજરી અને તેમના માફીનામા પર અદાલતની પ્રતિકૂળ ટિપ્પણી એ વાતના સાક્ષી પૂરે છે.

અસલમાં ભ્રામક જાહેરાતોની જ જો વાત કરીએ તો ભારતમાં તે બહુ મોટો મુદ્દો બની શકે તેમ છે, ખાસ કરીને દવાઓ મામલે. પરંતુ આઇએમએની ઝપટમાં માત્ર પતંજલિ જ આવી! જે આઇએમએએ પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતો અને દાવા વિરુદ્ઘ અદાલતમાં ફરિયાદ કરી, તેણે પોતાના ચિકિત્સકોના આચરણનું નિરીક્ષણ કરવા કોઈ અચૂક તંત્ર અત્યાર સુધી વિકસિત કર્યું છે? સોશ્યલ મીડિયામાં છાશવારે ચિકિત્સકોની બેદરકારીના વીડિયો વાયરલ થતા રહે છે. આઇએમએ તેમાંથી કેટલા વિરુદ્ઘ કાર્યવાહી કરે છે? આઇએમએએ આ પાસા પર પણ વિચાર કરવો જોઇએ. દેશમાં આયુર્વેદની બહુ સમૃદ્ઘ ચિકિત્સા પદ્ઘતિ છે અને કરોડો લોકો આ પ્રણાલીથી લાભાન્વિત પણ થયા છે. પરંતુ બાબા રામદેવ દ્વારા એલોપથીને અપાતો પડકાર આઇએમએને કઠ્યો છે. જોકે બંને પદ્ઘતિઓના વ્યાવસાયિકો અને દવાઓનો અંતિમ ઉદ્દેશ્ય દર્દીઓને સ્વસ્થ કરવાનો છે. પરંતુ દુર્યોગથી બંને પદ્ઘતિઓમાં કેટલાક ઊંટવૈદ્ય કે મુન્નાભાઈ એમબીબીએસ નકલી દવાઓ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરે છે. હજુ થોડા જ દિવસ થયા જ્યારે કેન્સર જેવી જીવલેણ બીમારીની નકલી એલોપેથિક દવાઓની ફેક્ટરીઓ ગાઝિયાબાદથી હૈદરાબાદ સુધી ઝડપાઈ. ત્રણ દિવસ પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે ૨૨થી વધુ નકલી કે મિલાવટી આયુર્વેદિક દવાઓના વેચાણ પર રોક લગાવી છે. સમય આવી ગયો છે કે દવા નિર્માણ કંપનીઓની દવા પરીક્ષણ પ્રણાલીનું ઠોસ નિરીક્ષણ કરવામાં આવે. સત્યાપિત દવાઓની જાહેરાતથી કોને વાંધો હોઈ શકે? એનાથી ન માત્ર આયુર્વેદ ચિકિત્સા પ્રણાલીની પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધશે, બલ્કે નિર્દોષ દર્દીઓને કોઈ છળનો શિકાર બનવાથી પણ બચાવી શકાશે.