બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં ૠષિ સુનકની પાર્ટીને હાર અને વિપક્ષની જીતની સંભાવના, સર્વે

લંડન, બ્રિટનમાં ૧૮ હજારથી વધુ લોકો પર કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે વડાપ્રધાન ૠષિ સુનકના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીને આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે. જ્યારે વિપક્ષી લેબર પાર્ટી ૪૦૩ બેઠકો સાથે સત્તામાં હશે. બહુમત માટે માત્ર ૩૨૬ સીટોની જરૂર છે.

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે સુનકની આગેવાની હેઠળની સત્તાધારી પાર્ટી ૨૧૦ બેઠકોના નુક્સાન સાથે હાઉસ ઓફ કોમન્સમાં માત્ર ૧૫૫ બેઠકો જીતી શકશે. સર્વે અનુસાર, આ ૧૯૯૭માં તત્કાલિન પીએમ જોન મેજરની હાર કરતાં પણ ખરાબ હશે જ્યારે ટોની બ્લેરના નેતૃત્વમાં લેબર પાર્ટીએ તેમને માત્ર ૧૬૫ સાંસદો સુધી ઘટાડ્યા હતા. તે જ સમયે, લેબર પાર્ટી સરળતાથી સ્કોટલેન્ડમાં સૌથી મોટી પાર્ટી બનવાની અપેક્ષા છે. એવું કહેવાય છે કે ૪૧ ટકા વોટ લેબર પાર્ટીને જશે અને ૨૪ ટકા વોટ કન્ઝર્વેટિવ પાર્ટીને જશે. લિબરલ ડેમોક્રેટ્સને ૧૨ ટકા વોટ મળશે, ગ્રીન્સને સાત ટકા વોટ મળશે અને બાકીના પક્ષોને મળશે. ભારતીય મૂળના પીએમ ૠષિ સુનકનો કાર્યકાળ કોઈપણ સંજોગોમાં પાંચ વર્ષમાં પૂરો થવાનો છે, તેથી કોઈ પણ સંજોગોમાં જાન્યુઆરી ૨૦૨૫ પહેલા સામાન્ય ચૂંટણી યોજવી જોઈએ. આ સર્વે ૭ થી ૨૭ માર્ચની વચ્ચે ૧૮,૭૬૧ બ્રિટિશ વયસ્કો પર કરવામાં આવ્યો હતો.