દાહોદ, દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થવા પામ્યો છે. ઉનાળાના આકરા તાપમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ અને નાના બાળકો ખુલ્લા પગે દિવસભર માથે વજનદાર બેડા ઊચકી પાણી ભરવા મજબૂર બન્યા છે. દાહોદ શહેરના ખરેડી, દેલસર, ભાઠિવાડા સહિતના સ્માર્ટ સિટી દાહોદની આસપાસ વસેલા આંતરિયાળ ગામોમાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે.
ખરેડી તેમજ ભાઠીવાડા સહિતના ગામોમાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ હયાત છે. જેના પગલે આ ગામમાં વસવાટ કરતા ગ્રામજનો એક માત્ર કુવા પર જ નિર્ભર છે. ગામના લોકો ઉનાળાના આકરા તાપમાં કૂવામાંથી પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. તેમ છતાં ગ્રામજનોને ફિલ્ટર વગરનું જંતુનાશક પાણી પીવું પડી રહ્યું છે.
ખરેડી વિસ્તારમાં તો કુવામાં જંતુઓ તરતા જોવા મળી રહ્યા છે. હમણાં જ જો આ પરિસ્થિતિ છે તો ઉનાળાના મયમાં ગ્રામજનોને પાણી ઉપલબ્ધ થશે કે કેમ તે જોવાનું રહ્યું?
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પાતાડુંગરી જળાશય મારફતે ગામના તળાવો ભરવાની યોજના પર કામ કરી રહ્યા છે. આ યોજનામાં ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તો આતરિયાલ વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તકલીફો અને પરેશાનીઓનો અંત આવે તેમાં કોઈ બેમત નથી.