દાહોદમાં બે મુસાફરોએ વેન્ડર સાથે માથાકૂટ કરી ચાલુ સુપરફાસ્ટ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો

દાહોદ, પશ્ચિમ રેલવેના રતલામ મંડળના બિલડી નજીક પેન્ટ્રી કારમાં વેન્ડર તરીકે કામ કરતા કર્મચારીને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોએ ગાળો બોલી, મારામારી કરી ચાલુ ગાડીમાંથી ફેંકી દેતા ચકચાર પછી જવા પામી છે. જોકે ટ્રેન ધીમી ગતિએ ચાલતી હોવાથી વેન્ડરનો બચાવ થયો હતો. પરંતુ તેને શરીરે ઈજાઓ પહોંચતા બેભાન અવસ્થામાં ૧૦૮ મારફતે મેઘનગરના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે બંને મુસાફરોને આરપીએફ દ્વારા ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર, અમૃતસરથી બાંદ્રા તરફ જતી ૧૨૯૦૪ અમૃતસર- બાંદ્રા ગોલ્ડન ટેમ્પલ મેલમાં જી૬માં સવાર મુસાફરો સવારથી જ પેન્ટ્રી કારમાં વેન્ડર તરીકે કામ કરતા કર્મચારી સાથે જોડેલો જનરલ કોચમાં ખાણીપીણીનું સામાન વેચવા અવરજવર કરી રહ્યો હતો. આ દરમિયાન ઉપરોક્ત બંને મુસાફરો વેન્ડર જોડે માથાકૂટ કરી પરેશાન કરી રહ્યા હતા. પરંતુ કર્મચારી દ્વારા કોઈ પ્રતિક્રિયા ન આપી આગળ જતો રહ્યો હતો. પરંતુ રસ્તામાં આ ટ્રેન બિલડી-મેઘનગર વચ્ચેથી ધીમી ગતિએ પસાર થઈ રહી હતી. તે સમયે ઉપરોક્ત બંને મુસાફરોએ ફરી એક વખત આ વેન્ડર જોડે માથાકૂટ કરતા પરિસ્થિતિ વણસી હતી.

બન્ને મુસાફરોએ રીતસર વેન્ડર જોડે મારઝૂડ કરી ગાળો આપી હતી અને આ વેન્ડરને ચાલુ ગાડીએ ફેંકી દેતા આસપાસના મુસાફરોએ બુમાબુમ કરી ચેન પુલિંગ કરી આ ટ્રેનને ઉભી રાખી દીધી હતી. જોકે આ ઘટના બની તે સમયે આ સુપરફાસ્ટ ટ્રેન ધીમી ગતિએ ચાલતી હોવાથી વેન્ડરનો જીવ બચી ગયો હતો. પરંતુ વેન્ડરને શરીરના ભાગે ઈજાઓ થતા તે બેભાન થવા પામ્યો હતો. આ મામલામાં પેન્ટ્રી કારના મેનેજર દ્વારા મેઘનગર આરપીએફને જાણ કરી હતી.

જે બાદ મેઘનગરના ઇન્ચાર્જ આઇપીએફ લીનીશા બેરાગી દ્વારા આરપીએફને ઘટના સ્થળે રવાના કરી હતી. આ દરમિયાન ઇજાગ્રસ્ત વેન્ડરને ૧૦૮ મારફતે પહેલા મેઘનગરના જીવન જ્યોતિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો .ત્યારબાદ વધુ સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જોકે વેન્ડર જોડે માથાકૂટ કરનાર ઉપરોક્ત બંને મુસાફરોને આરપીએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી. પરંતુ આરપીએફ તેમજ જીઆરપી દ્વારા તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.