
મુંબઇ,ભારતીય શેરબજાર માટે ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ઘણું સારું રહ્યું છે. બેન્કિંગ અને આઈટી શેરોમાં નીચલા સ્તરેથી બજારમાં પરત આવેલી ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. આજના સત્રની શરૂઆતમાં સેન્સેક્સ ૭૫,૫૦૧ પોઈન્ટની હાફ ટાઈમ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો છે. તો નિફ્ટી પણ ૨૨,૬૧૯ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો. બજાર બંધ સમયે બીએસઇ સેન્સેક્સ ૩૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪,૨૨૭ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨,૫૧૪ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૯૮.૬૦ લાખ કરોડની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૯૭.૫૨ લાખ કરોડ હતું. આજના સત્રમાં બજારની મૂડીમાં રૂ. ૧.૦૮ લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
આજના કારોબાર દરમિયાન બજારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી બેન્કિંગ ઈન્ડેક્સ ૪૩૬ પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય આઈટી ઓટો શેર્સમાં પણ વધારો જોવા મળ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, એફએમસીજી, ફાર્માના શેર ઘટીને બંધ થયા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૦ શેર ઉછાળા સાથે અને ૧૦ નુક્સાન સાથે બંધ થયા હતા. નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૨૭ શેર ઉછાળા સાથે અને ૨૩ નુક્સાન સાથે બંધ થયા હતા. ટ્રેડ થયેલા ૩૯૪૭ શેરોમાંથી ૨૪૬૯ શેર વધ્યા હતા જ્યારે ૧૩૭૯ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૯૯ શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
એચડીએફસી બેન્કનો શેર ૩.૦૬ ટકા, આઇશર મોટર્સ ૨.૦૪ ટકા, ટેક મહિન્દ્રા ૧.૯૨ ટકા, ટાઇટન કંપની ૧.૮૯ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૭૧ ટકા ટીસીએસ ૧.૪૨ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ઓએનજીસી, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સના શેરો ઘટ્યા છે.