અમે સત્તામાં આવીશું તો લોકશાહી રીતે અને સંસદીય સમિતિને સામેલ કરી તમામ બાબતોની સમીક્ષા કરીશું,કોગ્રેસ

નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જમીન કૌભાંડમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ વિપક્ષો સતત સત્તાધારી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કરતી રહે છે. અગાઉ પણ ઈડીએ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિત ઘણા નેતાઓની ધરપકડ કરી ચુકી છે, ત્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ઈક્ધમટેક્સ ડિપાર્ટમેન્ટ,ઈડી, કેન્દ્રીય તપાસ બ્યુરો અને વીવીપીએટીનો ઉલ્લેખ કરી ભાજપ અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે, ‘શું આઈટી, ઈડી, અને સીબીઆઈ આપણા હાથોમાં છે? શું અમે મોટા કોન્ટ્રાક્ટની ફાળવણી કરીએ છીએ? આ એજન્સીઓને તેમણે (સરકારે) ઘણી શક્તિઓ આપી દીધી છે. હાલ અમે સત્તા નથી, પરંતુ જ્યારે આવીશું ત્યારે લોકશાહી રીતે અને સંસદીય સમિતિને સામેલ કરી તમામ બાબતોની સમીક્ષા કરીશું. અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઈમાનદારીથી લડીશું, કારણ કે અમારા ઈરાદા નેક છે.’

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવ્યા બાદ રમેશે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે સકારાત્મક પગલું ભર્યું છે. જોકે અમે છેલ્લા ૧૦ મહિનાથી સમયની માંગ કરી રહ્યા છીએ, પરંતુ તેમણે (ઈડી) તેનો ઇન્કાર કરી દીધો છે. અમે માત્ર અમારી માંગ રજુ કરવા માંગીએ છીએ, બાકી તો તેનો અમલ કરોવ કે ન કરવો, તેમનો અધિકાર છે. અમે ૧૦૦ ટકા વીવીપીએટી ઈચ્છીએ છીએ. મને લાગે છે કે, કોર્ટની નોટિસ બાદ ચૂંટણી પંચે આ મુદ્દાનો નિવેડો ૧૯ એપ્રિલ પહેલા લાવી દેવો જોઈએ, ચાર જૂન પછી નહીં.

સુપ્રીમ કોર્ટે એક એપ્રિલે સુનાવણી દરમિયાન વીવીપીએટી મુદ્દે ચૂંટણી પંચને નોટિસ પાઠવી હતી, ત્યારબાદ તે જ દિવસે જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું હતું કે, વીવીપીએટી મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓના પ્રતિનિધિમંડળને મળવાની ના પાડી દીધી છે. અમારી માંગ એવી હતી કે, ઈવીએમમાં લોકોનો વિશ્ર્વાસ વધારવા અને ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા સુનિશ્ર્ચિત કરવા વીવીપીએટી સ્લિપનું ૧૦૦% મેચિંગ થવું જોઈએ. આ મામલે સુપ્રીમની નોટિસ પ્રથમ અને ખૂબ જ મહત્વની છે, પરંતુ તેના અમલ માટે ચૂંટણી શરૂ થાય તે પહેલા નિર્ણય લેવો જોઈએ.’