ઈસ્લામાબાદ, જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને મંગળવારે દાવો કર્યો હતો કે, તેમની પત્ની બુશરા બીબીને તેમના ખાનગી નિવાસસ્થાન પર બનેલી સબ-જેલમાં કેદ દરમિયાન ઝેરી ખોરાક આપવામાં આવ્યો હતો. જો તેમને નુક્સાન થાય છે તો આર્મી ચીફને જવાબદાર ગણવા જોઈએ. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતાએ અદિયાલા જેલમાં ૧૯ કરોડ પાઉન્ડના તોશાખાના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાને જાણ કરી હતી કે, તેની પત્નીને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમની ચામડી અને જીભ પર ‘ઝેર’ના અસરના નિશાન મળી આવ્યા હતા’.
સુત્રો દ્વારા ૭૧ વર્ષીય પીટીઆઈના સ્થાપકને ટાંકીને લખવામાં આવ્યું હતું કે, “હું જાણું છું કે આ પાછળ કોણ છે.” ખાને કહ્યું કે, જો બુશરાને કોઈ નુક્સાન થશે તો પાકિસ્તાનના આર્મી ચીફ (જનરલ અસીમ મુનીર) જવાબદાર રહેશે. કારણ કે એક ગુપ્તચર એજન્સીના સભ્યો ઈસ્લામાબાદમાં તેના બાની ગાલા નિવાસસ્થાન અને રાવલપિંડીની અદિયાલા જેલમાં બધું નિયંત્રિત કરી રહ્યા હતા.
ખાને કોર્ટને વિનંતી કરી કે, ૪૯ વર્ષીય બુશરાની શૌક્ત ખાનમ હોસ્પિટલના ડૉ. અસીમ દ્વારા તબીબી તપાસ કરાવવાનો આદેશ આપવામાં આવવા જોઈએ. તેમણે કહ્યું કે, તેમને અને પાર્ટીને અગાઉ તેમની તપાસ કરનાર ડૉક્ટર પર વિશ્ર્વાસ નથી. તેણે બુશરાને કથિત રીતે ઝેરી પદાર્થ આપવાના કેસની તપાસની પણ વિનંતી કરી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાનની વિનંતી પર, કોર્ટે ખાનને બુશરા બીબીની તબીબી તપાસ અંગે વિગતવાર અરજી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુનાવણી બાદ મીડિયા સાથે વાત કરતા બુશરાએ કહ્યું કે, પાર્ટીમાં અફવાઓ ફેલાઈ રહી હતી કે તે ‘અમેરિકન એજન્ટ’ છે અને તેને લોકપ્રિય ‘ટોયલેટ ક્લીનર’ દ્વારા ઝેર આપવામાં આવ્યું છે. તેણે કહ્યું કે, બુશરાના ભોજનમાં લોકપ્રિય ‘ટોઇલેટ ક્લીનર’ના ત્રણ ટીપા ભેળવવામાં આવ્યા હતા. તેણે દાવો કર્યો કે, એક મહિના સુધી તેનું સેવન કર્યા પછી વ્યક્તિની તબિયત બગડે છે. ભૂતપૂર્વ વડા પ્રધાનની પત્નીએ કહ્યું કે, “મારી આંખો સૂજી ગઈ હતી, મારી છાતી અને પેટમાં દુખાવો અને અસ્વસ્થતા હતી અને પાણી પણ કડવું લાગતું હતું.” પહેલા મધમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ભેળવવામાં આવ્યો હતો અને હવે મારા ખોરાકમાં ટોયલેટ ક્લીનર ભેળવવામાં આવ્યું છે.
બુશરાએ કહ્યું કે, “કોઈએ મને જેલમાં કહ્યું હતું કે મારા ખોરાકમાં શું ભેળવવામાં આવે છે. હું કોઈનું નામ જાહેર કરીશ નહીં.’’ બુશરાએ કોર્ટને માહિતી આપી હતી કે, તેને બની ગાલા સબ-જેલમાં યોગ્ય રીતે રાખવામાં આવી હતી, પરંતુ તેને બારી ખોલવાની બિલકુલ મંજૂરી નહોતી. આ પહેલા ઈમરાન ખાનની પાર્ટીએ દાવો કર્યો હતો કે, બુશરાને તેની અટકાયત દરમિયાન ફૂડ પોઈઝનિંગ આપવામાં આવ્યું હતું અને તેને ભારે પીડા થઈ હતી. ખાન અને બુશરા બીબીને જાન્યુઆરીમાં તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ૧૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.