નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાંથી જામીનનો આદેશ રાઉઝ એવન્યુ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે સુનાવણી બાદ જામીનની શરતો નક્કી કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે આપ સાંસદ સંજય સિંહને તેમનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે સંજય સિંહ પુરાવા સાથે ચેડા નહીં કરે. તે દિલ્હી-એનસીઆર છોડશે નહીં અને દારૂ કૌભાંડ મામલે કોઈ નિવેદન કે ટિપ્પણી કરી શકશે નહીં. સાંસદ સંજય સિંહના વકીલે કોર્ટને વિનંતી કરી કે દિલ્હી-એનસીઆર છોડતા પહેલા પૂર્વ પરવાનગી માટે શરતો ન લાદવામાં આવે. તેમણે કહ્યું કે તેઓ એક રાજકીય નેતા છે અને ચૂંટણીનો સમય છે. કોર્ટે કહ્યું કે તે દિલ્હી-એનસીઆર છોડતા પહેલા પોતાનો પ્રવાસ કાર્યક્રમ રજૂ કરશે.
બીજી તરફ આપ સાંસદ સંજય સિંહની માતા અને પુત્ર તેમને મળવા આઇએલબીએસ હોસ્પિટલ પહોંચ્યા હતા. સંજય સિંહને લિવર સંબંધિત રોગની સારવાર માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલીયરી સાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં લિવરની બાયોપ્સી કરવામાં આવી છે. આ તપાસ બાદ રિપોર્ટના આધારે આગળની સારવાર કરવામાં આવશે. મંગળવારે સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં સંજય સિંહને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
સાંસદ સંજય સિંહની પત્ની અનિતા સિંહે કહ્યું, ’ગઈકાલે અમે સંજય સિંહને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં અમને ખબર પડી કે તેમને જામીન મળી ગયા છે. આજે લગભગ ૧૨ વાગ્યે તેમને રજા આપવામાં આવશે, ત્યારબાદ તેઓ તિહાર જશે. તેમને ત્યાંથી મુક્ત કરવામાં આવશે, ત્યારબાદ અમે મંદિર જઈશું અને ભગવાનનો આભાર માનીશું. જ્યાં સુધી મારા ત્રણ ભાઈઓ (અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન) બહાર નહીં આવે ત્યાં સુધી અમારા ઘરમાં કોઈ ઉજવણી નહીં થાય.
સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના સમાચાર સાંભળ્યા બાદ સંજય સિંહના સમર્થકો ઢોલ સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે સંજય સિંહની પત્ની અનિતા સિંહને શુભેચ્છા પાઠવી હતી. પત્નીએ કહ્યું કે આ સંઘર્ષ લાંબો છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે ચાલુ રહેશે. જ્યાં સુધી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે. અમે સંજય સિંહના બહાર આવવાની ઉજવણી નથી કરી રહ્યા. જામીન માટે અમે કોર્ટનો આભાર માનીએ છીએ.