નવીદિલ્હી, કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ હોઈ શકે તે પ્રશ્ર્ન સંસદીય પ્રણાલીમાં “અપ્રસ્તુત” છે કારણ કે આપણે કોઈ વ્યક્તિને પસંદ નથી કરતા, પરંતુ પક્ષ અથવા પક્ષોના ગઠબંધનને પસંદ કરીએ છીએ.
આજે સવારે એકસને લેતાં,થરૂરે કહ્યું કે એક પત્રકારે તેમને આ પ્રશ્ર્ન પૂછ્યો હતો. “તેમ છતાં ફરી એક પત્રકારે મને એવા વ્યક્તિની ઓળખ કરવા કહ્યું છે કે જે મોદીનો વિકલ્પ છે. સંસદીય પ્રણાલીમાં આ પ્રશ્ર્ન અપ્રસ્તુત છે. અમે કોઈ વ્યક્તિને (રાષ્ટ્રપતિપદની જેમ) પસંદ નથી કરી રહ્યા, પરંતુ એક પક્ષ અથવા ગઠબંધન. પક્ષો, જે સિદ્ધાંતો અને માન્યતાઓના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે જે ભારતની વિવિધતા, બહુલતાવાદ અને સર્વસમાવેશક વિકાસને જાળવવા માટે અમૂલ્ય છે,” એમ તેમણે લખ્યું હતું.
“મિસ્ટર મોદીનો વિકલ્પ એ અનુભવી, સક્ષમ અને વૈવિધ્યસભર ભારતીય નેતાઓનું જૂથ છે જે લોકોની સમસ્યાઓ માટે પ્રતિભાવ આપશે અને વ્યક્તિગત અહંકારથી પ્રેરિત નહીં હોય,” એમ કોંગ્રેસ નેતાએ ઉમેર્યું હતું. તેઓ કઈ ચોક્કસ વ્યક્તિને વડાપ્રધાન તરીકે પસંદ કરશે તે ગૌણ વિચારણા છે. આપણી લોકશાહી અને વિવિધતાનું રક્ષણ કરવું સૌથી પહેલા આવે છે,” એમ થરૂરે જણાવ્યું હતું.
કેરળના તિરુવનંતપુરમથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા થરૂર હવે આ જ બેઠક પરથી તેમની ચોથી લોક્સભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. તેઓ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને ડાબેરી મોરચાના ઉમેદવાર પન્યાન રવિન્દ્રન સામે છે. છેલ્લા બે અઠવાડિયામાં થરૂરે આગામી ચૂંટણી માટે તેમના મતવિસ્તારમાં પ્રચાર કર્યો છે. તિરુવનંતપુરમમાં લોક્સભા ચૂંટણીના બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે મતદાન થશે.