કલ્પના સોરેનને ગાંડે વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના

રાંચી,ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી સોરેન મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. અહીં લોક્સભાની ચૂંટણીઓ અને વિધાનસભાની પેટાચૂંટણીઓ નજીકમાં છે અને ઝારખંડ મુક્તિ મોરચાની થિંક ટેન્કમાં સતત મંથન ચાલી રહ્યું છે. ઝારખંડના સીએમ ચંપાઈ સોરેનનું કહેવું છે કે હેમંત સાથે અન્યાય થયો છે.

પૂર્વ સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનને લઈને ઝારખંડ મુક્તિ મોરચાની અંદર સતત વાતો ચાલી રહી છે. કલ્પના સોરેનને ગાંડેય વિધાનસભાથી ઉમેદવાર બનાવવા કે નહીં તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. આના જવાબમાં સીએમ ચંપાઈ સોરેનનું કહેવું છે કે એક સપ્તાહમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

જો કલ્પના સોરેન વિધાનસભા ચૂંટણી લડીને જીતી જાય તો શું તે ઝારખંડના મુખ્યમંત્રી બનશે? આ પ્રશ્ર્નના જવાબમાં ચંપાઈ સોરેને કહ્યું કે આ નિર્ણય પાર્ટી અધ્યક્ષ શિબુ સોરેન, હેમંત સોરેન સહિતના પાર્ટીના નેતાઓ લેશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં લોક્સભા ચૂંટણીની સાથે ૨૦ મેના રોજ ગાંડેય વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાશે. જેએમએમના ધારાસભ્ય સરફરાઝ અહેમદના રાજીનામા બાદ ગાંડેયા વિધાનસભા બેઠક ખાલી પડી હતી. હવે એવી અટકળો ચાલી રહી છે કે કલ્પના આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

જેએમએમના ૫૧મા સ્થાપના દિવસની ઉજવણી ૪ માર્ચે ગિરિડીહ જિલ્લામાં કરવામાં આવી હતી. આ અવસર પર કલ્પના સોરેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ૨૦૧૯માં હેમંત સોરેનની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર સત્તામાં આવતાની સાથે જ વિરોધીઓ દ્વારા કાવતરાઓ ઘડવાનું શરૂ થઈ ગયું હતું.

ચંપાઈ સોરેને દાવો કર્યો હતો કે સત્તારૂઢ ભાજપ તેમને જેલમાં ધકેલી દેવાનું કાવતરું કરી શકે છે અને ઝારખંડના લોકો આનો જવાબ તેમના વોટથી આપશે.

આ દરમિયાન ચંપાઈ સોરેને દુમકા સીટનો પણ ઉલ્લેખ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હેમંત સોરેન જેલમાં રહીને આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. બીજેપીએ દુમકાથી સીતા સોરેનને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે સીતા સોરેન શિબુ સોરેનની મોટી વહુ છે અને ત્રણ વખત જેએમએમના ધારાસભ્ય રહી ચૂક્યા છે. સીતા સોરેને ૨૦૦૯માં તેમના પતિ દુર્ગા સોરેનના અવસાન બાદ તેઓ અને તેમના પરિવારને એકલા પડી ગયા હોવાનો આરોપ લગાવીને પાર્ટી છોડી દીધી હતી. સીતા માર્ચ મહિનામાં ભાજપમાં જોડાઈ હતી.

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ૩૧ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. રાંચીની વિશેષ અદાલતે ૨૨ ફેબ્રુઆરીએ સોરેનને વિધાનસભા સત્રમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ પહેલા ૫ ફેબ્રુઆરીએ હાઈકોર્ટે સોરેનને વિધાનસભામાં વિશ્ર્વાસ મતમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. સોરેન સામે મની લોન્ડરિંગના આરોપો ગેરકાયદેસર રીતે રિયલ એસ્ટેટની માલિકી અને લેન્ડ માફિયા સાથે કથિત સંબંધો સાથે સંબંધિત છે.