ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલ ભરતી કેસના મુખ્ય આરોપી રાજીવ નયન મિશ્રાની નોઈડા એસટીએફ દ્વારા ધરપકડ કરાઇ

લખનૌ, યુપીએ એસટીએફએ યુપી કોન્સ્ટેબલ પેપર લીક કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બુધવારે સવારે મુખ્ય આરોપી રાજીવ નયન મિશ્રાની નોઈડાથી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, આરોપી પહેલા પણ ઘણા મોટા પરીક્ષાના પેપર લીક કરી ચૂક્યો છે અને આ માટે તે જેલ પણ જઈ ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષા ૧૮ ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી અને તેના થોડા દિવસો બાદ પરીક્ષાના પેપર લીક થયા હોવાનું બહાર આવ્યું હતું. આ પછી યોગી સરકારે પરીક્ષા ફરીથી યોજવાની વાત કરી હતી. આ ઉપરાંત પેપર લીક કેસની તપાસ માટે ખાસ ટીમની પણ રચના કરવામાં આવી હતી.

આ કેસમાં પહેલી ધરપકડ એસટીએફ દ્વારા ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. એસટીએફએ આરોપી નીરજ યાદવની ધરપકડ કરી હતી, જે વોટ્સએપ પર ઉમેદવારોને પ્રશ્ર્નોના જવાબો મોકલતો હતો. આ પછી, ૫ માર્ચે આ મામલામાં મોટી કાર્યવાહી કરતા, યુપી પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા હતા. સરકારે ૧૪ જૂન ૨૦૨૩ના રોજ ૧૯૯૦ બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી રેણુકા મિશ્રાને ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડના ડિરેક્ટર જનરલ અને અધ્યક્ષ ની જવાબદારી સોંપી હતી.

આ પછી, તપાસ દરમિયાન, ૬ માર્ચે, એસટીએફ ટીમે પેપર લીક કેસમાં મેરઠથી ૬ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ ટીમને આરોપીઓ પાસેથી ૧૮મી ફેબ્રુઆરીના રોજ લેવાયેલા બીજી શિટના પ્રશ્ર્નપત્રના જવાબો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી ૮ મોબાઈલ ફોન અને એક કાર પણ કબજે કરી હતી.

યુપી એસટીએફે કોન્સ્ટેબલ પેપર લીક કેસમાં પેપર લીકના સ્ત્રોતની ઓળખ કરી હતી. પ્રશ્ર્નપત્ર ગુજરાતમાંથી લાવવામાં આવી રહ્યું હતું ત્યારે લીક થયું હતું. આ પ્રશ્ર્નપત્રો અમદાવાદના વેરહાઉસમાંથી ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવી રહ્યા હતા. યુપી પોલીસના જણાવ્યા અનુસાર, પેઢી ઉત્તર પ્રદેશના વેરહાઉસમાં પ્રશ્ર્નપત્રો પહોંચાડવાની હતી, પરંતુ સીલબંધ બોક્સમાંથી એક સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી.