કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકના ચન્નાપટના રેલી યોજી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કર્યા બાદ કોંગ્રેસ નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે તેમના પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘અમે રાજકારણમાં વિપક્ષનું સ્વાગત કરીએ છીએ. વડાપ્રધાને પણ આવી રેલી કરી હતી. હું તેમને શુભકામના પાઠવું છું.’
ઉલ્લેખનિય છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચન્નાપટમાં વિશાળ જનસભા સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) બંને પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું કે, ‘જેડીએસને કોંગ્રેસની બી ટીમ છે. બંને પાર્ટીઓ વંશવાદની પાર્ટી છે અને ભ્રષ્ટાચાર વધારી રહી છે.’ જોકે ચૂંટણીના પરિણામમાં ૨૨૪ બેઠકોમાંથી કોંગ્રેસે ૧૩૫, ભાજપે ૬૬ અને જેડીએસએ ૧૯ બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસે સરકાર બનાવી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
દરમિયાન અમિત શાહે કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) અને રાજ્યના ભાજપ એકમના નેતાઓ સાથે સંયુક્ત બેઠક કરી હતી. બેઠકમાં જેડીએસના નેતા એચ.ડી.કુમારસ્વામી, વડા જી.ટી.દેવેગૌડા, ભાજપ નેતા બી.એસ.યેદિયુરપ્પા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, કર્ણાટક કુલ ૨૮ લોક્સભા બેઠકોમાંથી ભાજપ ૨૫ બેઠકો પર જ્યારે જેડીએસ બાકીની ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપે બેંગલુરુ ગ્રામીણ બેઠક પર કુમારસ્વામીના જમાઈ અને જાણીતા હૃદયરોગ નિષ્ણાત સી.એન.મંજૂનાથને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે ડી.કે.શિવકુમારના ભાઈ ડી.કે.સુરેશને ટિકિટ આપી છે. રાજ્યમાં બે તબક્કામાં ૨૬ એપ્રિલ અને સાતમી મેએ મતદાન યોજાશે, જ્યારે ચોથી જૂને પરિણામ જાહેર થશે.
કર્ણાટક લોક્સભા ચૂંટણીના છેલ્લા ચાર વર્ષના રેકોર્ડની વાત કરીએ તો ૨૦૦૪માં ભાજપે ૧૮ તો કોંગ્રેસે ૮, ૨૦૦૯માં ભાજપે ૧૯ તો કોંગ્રેસે ૬, ૨૦૧૪માં ભાજપે ૧૭ તો કોંગ્રેસે ૯ જ્યારે ૨૦૧૯માં ભાજપે ૨૫ તો કોંગ્રેસે માત્ર એક બેઠકો જીતી હતી. રાજ્યમાં વર્ષ ૧૯૫૨થી શરૂ થયેલી લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસે શરૂઆતમાં સતત ૧૦ ટર્મ સુધી શાસન કર્યું હતું.