નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી માટે ગુજરાતમાં છેલ્લી સભાને સંબોધી હતી. કેજરીવાલે પંજાબના સીએમ ભગવંત માન સાથે પાર્ટીનું ચૂંટણી અભિયાન “મેં ભી કેજરીવાલ” શરૂ કર્યું હતું. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં જેલમાં ગયા બાદ આપની તૈયારીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતની ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસેથી ભારે તાકાતથી છીનવી લીધી હતી. ભરૂચ સીટ માટે આપઁએ ગોવા અને ચંદીગઢ સીટ છોડવી પડી હતી. એક બેઠક મેળવવા માટે પાર્ટીએ કોંગ્રેસને બે બેઠકો આપી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૪ ટકા મતો મેળવીને રાષ્ટ્રીય પક્ષ બનેલી આપએ ભરૂચ અને ભાવનગર લોક્સભા બેઠકો પર તેના વર્તમાન ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. આપ કન્વીનરની ધરપકડ બાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી લોક્સભા ચૂંટણીમાં બંને બેઠકો પર ભાજપને ટક્કર આપવા માટે નવી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેજરીવાલની ગેરહાજરીમાં તેમની પત્ની ગુજરાતમાં દસ્તક આપી શકે છે. તે બંને લોક્સભા મતવિસ્તારોમાં પાર્ટીના ઉમેદવારો માટે કાર્યક્રમોનું આયોજન કરી શકે છે. પાર્ટી હાલમાં સુનિતા કેજરીવાલ રોડ શો કરશે તે અંગે વિચારણા કરી રહી છે.
ભરૂચ બેઠકની લડાઈ આપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આદિવાસી મતો એકત્ર કરવા માટે પાર્ટી ગુજરાતમાં ઝારખંડની યુક્તિ રમી શકે છે. પાર્ટી ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની પત્ની અને ત્યાંના સીએમ ચંપાઈ સોરેનની મીટિંગની શક્યતાઓ પર પણ કામ કરી રહ્યા છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કામાં છે. અમારી પાસે ચૂંટણી પ્રચાર માટે ૫મી મે સુધીનો સમય છે.
ભરૂચ અને ભાવનગર બેઠકો પર પાર્ટી જોરદાર લડત આપી રહી છે. સુનિતા કેજરીવાલ અને કલ્પના સોરેનને બોલાવવા અંગે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાતચીત કરવામાં આવી છે. પક્ષના પ્રમુખ ઇસુદાન ગઢવી આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરશે. રામલીલા મેદાનની રેલીમાં સુનીતા કેજરીવાલ હાજર રહી હતી.