જુનાગઢ,રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર આપેલા વિવાદિત નિવેદનને કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધનું વંટોળ આવી ગયું છે. માફી માંગવા છતા ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપવા તૈયાર નથી. અલગ અલગ જિલ્લાઓમાં રાજપૂત સમાજ હવે એકઠો થઇ રહ્યો છે અને આ મુદ્દે રૂપાલાની ટિકિટ કાપવાની માંગ પણ હવે ઉગ્ર બની છે. હવે કેશોદમાં પણ રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિપ્પણીનો વિરોધ થઇ રહ્યો છે.
કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોક્સભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વિષે કરેલી ટિપ્પણીનો વિરોધ કરી આજ રોજ નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે રાજકોટ લોક્સભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને બદલવામાં આવે. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીએ આ લડાઈ અસ્મિતાની અને આત્મગૌરવની ગણાવી હતી. રાજકોટ લોક્સભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે એ અશોભનીય છે જેને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારી હતી.