રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અયોધ્યામાં રામ મંદિરની ભવ્યતા, સુંદરતા અને દિવ્યતાના દર્શન કરીને ભાવવિભોર

અયોધ્યા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પરિવારજનો સાથે અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન કર્યા હતા. રામમંદિરની ભવ્યતા, સુંદરતા અને દિવ્યતાથી તેઓ અભિભૂત થયા હતા. ભાવવિભોર થયેલા શ્રી આચાર્ય દેવવ્રતજીએ રામ મંદિરની વ્યવસ્થા અને ભાવિક-ભક્તોના દર્શન માટેના આયોજન બાબતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પહોંચ્યા ત્યારે સ્થાનિક વહીવટી તંત્રએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પરિવારજનો સાથે રામ મંદિરની મુલાકાત લીધી હતી. રામ મંદિરની ભવ્યતા, સુંદરતા અને દિવ્યતાના દર્શન કરીને તેઓ ભાવવિભોર થયા હતા.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામનામી ઓઢાળીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું અભિવાદન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ દેશ-વિદેશમાંથી અયોધ્યા પધારી રહેલા યાત્રાળુઓની સુવિધા માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થા અને આયોજનની પ્રશંસા કરીને વ્યવસ્થાપકોને અભિનંદન આપ્યા હતા. શ્રી આચાર્ય દેવવ્રતજીએ અયોધ્યાના પવિત્ર ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લીધી હતી.

એ અદભુત યોગાનુયોગ છે કે, રવિવારે જ મેઘાલયના રાજ્યપાલ શ્રી ફાગૂ ચૌહાણજી અને સિક્કિમના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ આચાર્યજી પણ અયોધ્યા પધાર્યા હતા.