આર્જેન્ટિના, આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલા આર્જેન્ટિનામાં સરકારી કર્મચારીઓને મોટો ઝટકો મળવાનો છે. આર્જેન્ટિનામાં મોટા પાયે છટણી થવા જઈ રહી છે. એક સાથે ૭૦૦૦૦ કર્મચારીઓની નોકરી જશે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઈલી દેશની અર્થવ્યવસ્થા પર વધતા બોજને ઓછો કરવા માટે મોટું પગલું ભરવા જઈ રહ્યા છે. આવનારા કેટલાક મહિનામાં આર્જેન્ટિનામાં ૭૦ હજાર લોકોની નોકરીઓ જશે.
બ્લુમબર્ગના એક રિપોર્ટ મુજબ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઈલી આવનારા કેટલાક મહિનામાં દેશભરમાં ૭૦૦૦૦ થી વધુ સરકારી કર્મચારીઓની છટણી કરવાના છે. અત્રે જણાવવાનું કે આર્જેન્ટિના લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. અર્થવ્યવસ્થા ભારે દબાણ હેઠળ છે. આવામાં દેશની ઈકોનોમી પરથી દબાણ ઓછું કરવા માટે સરકારે છટણીનો નિર્ણય લીધો છે.
રિપોર્ટ મુજબ આર્જેન્ટિનામાં ૩૫ લાખથી વધુ સરકારી કર્મચારીઓ છે. આવામાં સરકારને આશા છે કે ૭૦ હજાર કર્મચારીઓની છટણીથી મોટી અસર નહીં પડે. એવું માનવામાં આવી રહ્યું છેકે સરકાર ૧૫ ટકા જેટલા કર્મચારીઓની કોન્ટ્રાક્ટ રિન્યૂ કરશે નહીં. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઈલીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં દેશ અને દુનિયામાં મોટા પાયે છટણી થઈ રહી છે. સરકાર પબ્લિક સેક્ટરમાં કામ કરતા ૭૦ હજાર કર્મચારીઓના કોન્ટ્રાક્ટ ખતમ કરશે. જોકે આવું પહેલીવાર નથી બન્યું. સરકાર અગાઉ ૫૦,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી ચૂકી છે. રિપોર્ટ મુજબ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં આ કર્મચારીઓના કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવાની વાત કહેવાઈ હતી. અત્રે જણાવવાનું કે આર્જેન્ટિના ભારે આથક સંક્ટ સામે ઝઝૂમી રહ્યું છે. મોંઘવારી દર ૧૦૪ ટકા પાર થઈ ચૂકયો છે. બંપર મોંઘવારીએ આર્જેન્ટિનાને ભારે ગરીબીમાં ધકેલી દીધુ છે. ૧૯૦૦ના દાયકાનો અમીર દેશ આજે ભીખારી જેવી સ્થિતિમાં છે. ભારે કરજ, મુદ્રા સંકટ, ફુગાવાએ અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી છે. કેન્દ્રીય બેંક ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. વિદેશી ભંડારની કમી વચ્ચે લડખડાતી કરન્સીને સંભાળવાના પગલે સરકારે કરન્સી ઘટાડી દીધી. હવે સરકાર નોકરીઓમાં કાપ મૂકી રહી છે.