આખરે એવા લોકોની વિરુદ્ધ અત્યાર સુધી કેમ કાર્યવાહી નથી થઈ, જેમની વિરુદ્ધ મેં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી, સત્યપાલ મલિક

  • સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો કે આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરનારા લોકો ભાજપનો જ હિસ્સો છે.

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક રેલીમાં કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી સરકારની કાર્યવાહી અટકશે નહીં. તેમનું કહેવું હતું કે, ભ્રષ્ટાચારી ગમે તેટલો મોટો કેમ ન હોય તેની સામે એક્શન લેવામાં આવશે. જેણે દેશને લૂંટ્યો છે તેણે પરત આપવું જ પડશે. આ નિવેદન પર હવે પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પ્રતિક્રિયા આપતા એક સવાલ કર્યો. છેલ્લા કેટલાય સમયથી જાહેરમાં મોદી સરકારની આલોચના કરનારા સત્યપાલ મલિકે પૂછ્યું કે, આખરે એવા લોકોની વિરુદ્ધ અત્યાર સુધી કેમ કાર્યવાહી નથી થઈ, જેમની વિરુદ્ધ મેં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.

સત્યપાલ મલિકે પોતાના એક્સ એકાઉન્ટ પર પીએમ મોદીની ટિપ્પણી શેર કરતાં લખ્યું કે, બિલકુલ મોદીજી, તમારી વાત સાચી છે, પરંતુ મેં ભ્રષ્ટાચારમાં શામેલ જે જે વ્યક્તિઓ અંગે બતાવ્યું હતું. તે તમામ તમારી પાર્ટીમાં છે અને તેમની સામે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવું કેમ?’ એટલું જ નહીં, સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો કે આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરનારા લોકો ભાજપનો જ હિસ્સો છે. તેમણે કહ્યું કે ભાજપ આ લોકોને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જેવા પદોથી નવાજી રહી છે.

જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોના ગવર્નર રહી ચૂકેલા સત્યપાલ મલિકે લખ્યું કે, સૌથી વધુ દેશને લુંટનાર ભાજપ છે અને તે કરોડો રૂપિયાના કૌભાંડમાં સામેલ છે. તમે એમની સામે કોઈ કાર્યવાહી ન કરીને, ઉપહાર રૂપે તેમને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બનાવી રહ્યા છો. કૌભાંડીઓને રાજ્યસભા અને લોક્સભાના સાંસદોની ટિકિટ આપવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે સત્યપાલ મલિક ભાજપના શાસનમાં ઘણા રાજ્યોમાં રાજ્યપાલ રહી ચૂક્યા છે. જો કે, ખેડૂતો આંદોલન દરમિયાન તેઓ મોદી સરકારની વિરુદ્ધ થઈ ગયા હતા અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક લોકો પર હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે લાંચની ઓફરનો આરોપ લગાવ્યો હતો.

આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે અને તાજેતરમાં જ એજન્સી સત્યપાલ મલિકના કેટલાક સ્થળોએ પણ પહોંચી હતી. સત્યપાલ મલિક સતત પુનરોચ્ચાર કરી રહ્યા છે કે તેઓ ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં ઈન્ડિયા અલાયન્સની સાથે છે.