- છેલ્લા બે દિવસમાં સુરતમાં હત્યાની આ ત્રીજી ઘટના બનીને સામે આવી
સુરત, સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એક વખત સવાલો ઉભા થયા છે. સુરતના રીંગરોડ ખાતા આવેલી જૂની સબજેલ નજીક મોડી સાંજે ચારથી પાંચ જેટલા શખ્સોએ યુવક ઉપર ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. હત્યાની આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
જોકે છેલ્લા બે દિવસમાં સુરતમાં હત્યાની આ ત્રીજી ઘટના બનીને સામે આવતા પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં તાકીદે નવા પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અત્યારની આ ઘટનામાં મૃતક પોલીસને વાતની આપતો હોવાની શંકા રાખી ડ્રગ્સ પેડલરો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આરોપ મૃતકના પરિવારે કર્યો છે.
સુરત શહેર ફરી રક્ત-રંજીત બન્યું છે. છેલ્લા બે દિવસમાં સુરત શહેરમાં હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં સૌપ્રથમ લીંબાયત ત્યારબાદ વરાછા અને હવે ખટોદરા પોલીસ મથક હદ વિસ્તારમાં એકબાદ એક એમ ત્રણ ઘટનાઓ બનવા પામી છે. ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય હનીફ આમીરખાન શેખની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. જે હત્યા અકબર, અજજુ, એઝાંઝ સહિતના ઈસમોએ કરી હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.
મૃતકના પરિવારે કરેલા આક્ષેપ મુજબ ગતરોજ આ તમામ ઈસમો દ્વારા હનીફના મિત્રનું ઘર નજીકથી અપહરણ કરી જૂની સબજેલ નજીક લઈ ગયા હતા. ત્યારબાદ હનીફને કોલ લગાવવાનું કહી સ્થળ પર બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જૂની સબજેલ નજીક આવી પહોંચ્યા હતા. તેઓએ હનીફ પર તું કેમ પોલીસને બાતમી આપે છે કહી જીવલેણ હુમલો કર્યો હતો.
તમામ ઈસમો દ્વારા હનીફ અને તેના મિત્ર પર ઉપરાંત છાપરી ચપ્પુના ઘા ઝીંકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે બાદ ઇજાગ્રસ્ત હનીફ અને તેના મિત્રને તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ રહેલા હનીફનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટના અંગે ખટોદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મૃતકના ભાઈ શાહરુખ શેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમામ હત્યારાઓ ડ્રગ્સ પેડલરો છે. ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આ શખ્સોની બાતની હનીફે પોલીસને આપી હોવાની શંકા રાખી જીવલેણ હુમલો કરાયો હતો. જે હુમલાની ઘટનામાં હનીફનું કરુણ મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે આ હત્યાની ઘટનાનો વીડિયો પણ સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વાયરલ વીડિયોમાં સરા જાહેર યુવકની હત્યા કર્યા બાદ આરોપીઓ મોટરસાયકલ પર બેસી ફરાર થતા નજરે પડી રહ્યા છે.
આ વીડિયો બતાવે છે કે આરોપીઓને સુરત પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી. જે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ સામે સવાલ ઊભા કરી રહી છે. હાલ તો મૃતકના પરિવારે કરેલા આક્ષેપ અને હત્યાની ઘટના મામલે પોલીસે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.