લોક્સભા ચૂંટણી પછી ભારત સાથેના સંબંધો સુધરી શકે છે’, પાકિસ્તાની રક્ષા મંત્રી

ઈસ્લામાબાદ,\ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આશા વ્યક્ત કરી છે કે ભારતમાં સામાન્ય ચૂંટણી બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી શકે છે. ખ્વાજા આસિફનું આ નિવેદન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે સિંગાપોરમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદે ઉદ્યોગનું સ્વરૂપ લીધું છે અને હવે ભારત આતંકવાદને સહન નહીં કરે. સોમવારે ઈસ્લામાબાદમાં પાકિસ્તાની સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાની રક્ષા મંત્રીએ કહ્યું કે ’ત્યાંની સામાન્ય ચૂંટણીઓ બાદ ભારત સાથેના અમારા સંબંધો સુધરી શકે છે.’

છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખરાબ છે અને ખાસ કરીને ૨૦૧૯માં જ્યારે ભારતે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય કર્યો ત્યારે પાકિસ્તાને તેનો વાંધો ઉઠાવતા ભારતમાંથી પોતાના રાજદૂતને પાછા ખેંચી લીધા હતા. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સતત ખટાશ આવી રહી છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે પહેલા જમ્મુ-કાશ્મીરમાં લીધેલા પોતાના એકપક્ષીય નિર્ણયને પાછો ખેંચવો પડશે, તો જ બંને દેશોના સંબંધો સુધરશે. જોકે, ભારતે પાકિસ્તાનની આ સલાહને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ભારતનું કહેવું છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો અને કોઈપણ બાહ્ય હસ્તક્ષેપને નકારી કાઢ્યો હતો.

પાકિસ્તાન ભારત, ચીન, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે તેની સરહદો વહેંચે છે. ચીન સિવાય પાકિસ્તાનના તેના તમામ પડોશી દેશો સાથેના સંબંધો કડવાશના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યું છે. ભારતમાં લોક્સભાની ૫૪૩ બેઠકો માટે ૧૯ એપ્રિલથી સાત તબક્કામાં મતદાન શરૂ થશે. ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે.