ઢાકા, માલદીવની જેમ બાંગ્લાદેશમાં પણ ભારત વિરુદ્ધ વિરોધની લહેર જોવા મળી રહી છે. અહીંની વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સતત ભારત વિરુદ્ધ ઝેર ઓક્તી રહી છે.
વિપક્ષના સતત આક્રમક વલણને જોઈને બાંગ્લાદેશના વર્તમાન વડાપ્રધાન શેખ હસીનાએ હવે જડબાતોડ જવાબ આપ્યો છે. તેમનું કહેવું છે કે જે લોકો ભારતીય ઉત્પાદનોનો સતત વિરોધ કરી રહ્યા છે તેઓએ પહેલા તેમની પત્નીની સાડીઓ બાળવી જોઈએ. આટલું જ નહીં બાંગ્લાદેશની મહિલા પીએમએ વિપક્ષી નેતાઓને સવાલો પણ પૂછ્યા છે. તેઓ કહે છે કે પહેલા તેઓએ જણાવવું જોઈએ કે તેમની પત્નીઓ પાસે હાલમાં કેટલી ભારતીય સાડીઓ છે અને તેઓએ હજુ સુધી તેને શા માટે સળગાવી નથી. શેખ હસીનાએ તેમની પાર્ટી બાંગ્લાદેશ અવામી લીગની બેઠકને સંબોધિત કરતા કહ્યું, ’મારો પ્રશ્ર્ન છે કે તેમની પત્નીઓ પાસે કેટલી ભારતીય સાડીઓ છે? શા માટે તેઓ તેમની પત્નીની સાડીઓ લઈને આગ લગાડી રહ્યા નથી? મારો બીએનપી નેતાઓ માટે એક પ્રશ્ર્ન છે. પીએમ શેખ હસીના અહીં જ ન અટક્યા. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે બીએનપી સત્તામાં હતી ત્યારે તેમની પત્નીઓ ભારતીય પ્રવાસમાં તેમની સાથે જતી હતી. આ સમય દરમિયાન તે ત્યાંથી ઘણી સાડીઓ ખરીદતી હતી.
પોતાની વાતને આગળ વધારતા તેમણે કહ્યું કે આપણા વિપક્ષી નેતાઓના ઘરમાં ભારતીય મસાલાનો ઉપયોગ થતો નથી? તમને જણાવી દઈએ કે ભારતથી બાંગ્લાદેશમાં મોટી માત્રામાં મસાલા મોકલવામાં આવે છે. તેમાં લસણ, ડુંગળી, આદુ અને ઘણા પ્રકારના ગરમ મસાલાનો સમાવેશ થાય છે. શેખ હસીનાનું આ નિવેદન બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા રૂહુલ કબીર રિઝવીના નિવેદન બાદ આવ્યું છે. તાજેતરમાં રિઝવીએ બાંગ્લાદેશમાં ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનું આહ્વાન કર્યું છે.