ટોકયો, જાપાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી. આ આંચકા ઉત્તર જાપાનના ઈવાતે અને આઓમોરી પ્રાંતમાં અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતનો ઉત્તરીય ભાગ હતો. જો કે હાલમાં જાનમાલના નુક્સાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
નવા વર્ષની શરૂઆતમાં પશ્ર્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે ૫૦થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. અધિકારીઓએ ચેતવણી જાહેર કરી હતી અને લોકોને તેમના ઘરોથી દૂર રહેવા કહ્યું હતું.રિપોર્ટ્સ અનુસાર ૧ જાન્યુઆરીએ ઇશિકાવા પ્રાંત અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ ૧૦૦ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ પણ સામેલ હતો, ત્યારબાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
ધરતીની અંદર પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે. ભૂસ્તરશાના નિષ્ણાંતો કહે છે કે, આપણી પૃથ્વી ૧૨ ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. આ પ્લેટો અથડાતી વખતે જે ઉર્જા બહાર આવે છે તેને ભૂકંપ કહેવાય છે. નિષ્ણાતોના મતે, પૃથ્વીની નીચે હાજર આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી ૪-૫ મીમી ખસી જાય છે. આ સમયગાળા દરમિયાન કેટલીક પ્લેટો અન્યથી દૂર જાય છે અને કેટલીક અન્યની નીચે સરકી જાય છે. આ સમય દરમિયાન પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.